Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

હાર્દિક પંડ્યાની બોલિંગથી રાજસ્થાન મુશ્કેલીમાં : બેટીંગ લાઈન ફ્લોપ:131 રનનો લક્ષ્યાંક આપ્યો

હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી: જયસ્વાલની આક્રમકઃ બેટિંગ : જોસ બટલરે 35 બોલમાં 39 રન ફટકાર્યા

અમદાવાદ :ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની ફાઈનલ  મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ ટાઈટલનો જંગ થઈ રહ્યો છે. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બોલીંગ કરી હતી. રાજસ્થાનની બેટીંગ કંગાળ રહી હતી અને પ્રથમ બેટીંગ કરી મોટો સ્કોર કરવાની યોજનાના સપના પર ગુજરાતના બોલરોએ પાણી ફેરવી દીધુ હતુ. ખાસ કરીને હાર્દિક પંડ્યા ની બોલીંગે રાજસ્થાનને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. ધીમી રમત રમતા રાજસ્થાને 20 ઓવરના અંતે 130 રનનો સ્કોર 9 વિકેટ ગુમાવીને નોંધાવ્યો હતો.

રાજસ્થાને પ્રથમ બેટીંગ પસંદ કરતા એમ લાગી રહ્યુ હતુ કે સેમસન સેના મોટો સ્કોર ખડકીને ગુજરાત સામે પોતાનુ લક્ષ્ય બચાવશે. પરંતુ તેના આ નિર્ણય વખતે જ હાર્દિક પંડ્યા ખુશ જણાતો હતો. કારણ કે તેની યોજના પહેલા બોલીંગ કરવાની હતી અને એવુ જ થયુ કે સેમસને તેમને પ્રથમ બોલીંગ માટે નિમંત્રણ આપી દીધુ હતુ. તે જાણે કે ટ્રોફી તરફનો રસ્તો બતાવ્યો હોય એવી ખુશી હાર્દિક પંડ્યાને ટોસ વેળા જ પિચ પર વર્તાઈ હતી.

યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનીંગ જોડી પ્રથમ વિકેટ માટે માત્ર 31 રનની જ ભાગીદારી કરી શકી હતી. આમ પ્રથમ વિકેટ બાદ જ રાજસ્થાનની રમત ધીમી પડી ગઈ હતી. જયસ્વાલે 2 છગ્ગા વડે 16 બોલમાં 22 રન નોંધાવ્યા હતા. જ્યારે જોસ બટલરે 35 બોલમાં 39 રન નોંઘાવ્યા હતા. તેણે 5 ચોગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા. તે હાર્દિક પંડ્યાનો શિકાર થયો હતો. જોકે તે ચોથી વિકેટના રુપમાં પરત ફર્યો હતો.

આ પહેલા રાજસ્થાનનો કેપ્ટન સંજૂ સેમસન 11 બોલમાં 14 રન નોંધાવીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. તે બીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. જે વખતે રાજસ્થાનનો સ્કોર 60 રન 8.2 ઓવરમાં હતો. દેવદત્ત પડિકલ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. પણ આ વખતે તે મહત્વની મેચમાં ફ્લોપ રહ્યો હતો. તેણે 10 બોલનો સામનો કરીને માત્ર 2 રન નોંધાવ્યા હતા. શિમરોન હેટમાયર 12 બોલમાં 11 રન નોંધાવી હાર્દિક પંડ્યાનો શિકાર થયો હતો. રવિચંદ્ન અશ્વિન 9 બોલમાં 6 રન નોંધાવી આઉટ થયો હતો. આમ 98 રનના સ્કોરમાં જ 6 વિકેટ રાજસ્થાને 16મી ઓવરમાં ગુમાવી દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે 11 રન નોંધાવ્યા હતા. મેકકોયે 8 રન અને રિયાન પરાગે 15 રન નોંધાવ્યા હતા.

ટીમનુ ટ્રોફીનુ સપનુ પુરુ કરવા બોલીંગનુ આક્રમણ સંભાળી લીધુ હતુ. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે જોસ બટલર, સંજૂ સેમસન અને હેટમાયરની વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. સાંઈ કિશોરે 2 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. યશ દયાલે 3 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ મેળવી હતી. લોકી ફરગ્યુસને 3 ઓવરમાં 22 રન આપ્યા હતા, જોકે તેને વિકેટ નસીબ થઈ નહોતી. શામીએ એક વિકેટ ઝડપી હતી, જે સિઝનમાં તેની અંતિમ બોલ હતી.

(10:17 pm IST)