Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત અને સાઇના નેહવાલની ઓલિમ્પિકની આશા સમાપ્ત

ઓલિમ્પિકમાં ભારતીય બેડમિન્ટનને મોટો આંચકો : ક્વોલિફિકેશન સમયની અંદર કોઈ ટૂર્નામેન્ટ યોજાશે નહીં અને હાલના રેન્કિંગમાં ફેરફાર નહીં કરાય તેથી ફટકો

નવી દિલ્હી, તા. ૨૯ : ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત અને સાઇના નેહવાલ માટે ટોક્યો ઓલિમ્પિક રમતમાં ક્વોલીફાઇ કરવાની આશા સમાપ્ત થઈ ગઈ છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન  (બીડબલ્યુએફ) શુક્રવારે સ્પષ્ટ કરી દીધુ કે ક્વોલીફિકેશન સમયની અંદર કોઈ ટૂર્નામેન્ટ યોજાશે નહીં અને હાલના રેક્નિંગમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

વિશ્વના પૂર્વ નંબર એક પુરૂષ ખેલાડી શ્રીકાંત અને ૨૦૧૨ લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇના નેહવાલની આશા લગભગ તે સમયે તૂટી ગઈ જ્યારે કોરોના મહામારીને કારણે સિંગાપુરમાં યોજાનાર ઓલિમ્પિક ક્વોલીફાયર ટૂર્નામેન્ટ રદ્દ થઈ હતી. તે સમયે બીડબલ્યુએફનું કહેવું હતું કે ટોક્યો ઓલિમ્પિક ક્વોલીફાઇંગને લઈને બાદમાં વધુ એક નિવેદન જારી કરશે ત્યારે લાગ્યું હતું કે બન્ને ખેલાડીઓને એક તક મળી શકે છે.

બીડબલ્યુએફએ શુક્રવારે નિવેદન જારી કરી કહ્યું- બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન પુષ્ટિ કરે છે કે ટોક્યો ૨૦૨૦ ઓલિમ્પિક રમતોના ક્વોલીફાઇંગ સમયની અંદર હવે કોઈ ટૂર્નામેન્ટ રમાશે નહીં. ટોક્યો રમતની ક્વોલીફાઇંગ અવધી સત્તાવાર રીતે ૧૫ જૂન ૨૦૨૧ના પૂરી થઈ રહી છે. તેવામાં વર્તમાન રેસ ટૂ ટોક્યો રેક્નિંગની યાદીમાં કોઈ ફેરફાર થશે નહીં.

હાલના સ્વાસ્થ્ય સંકટને કારણે વિશ્વ સંસ્થાએ ત્રણ મહત્વપૂર્ણ આયોજનેને સ્થગિત કર્યા બાદ ક્વોલીફિકેશન અવધિ લગભગ બે મહિના વધારીને ૧૫ જૂન કરી દીધી હતી. કોરોના વાયરસ મહામારીની બીજી લહેરને કારણે ઈન્ડિયા ઓપન, મલેશિયા ઓપન અને સિંગાપુર ઓપનનું આયોજન થઈ શક્યું.

બીડબલ્યુએફના મહાસચિવ થોમસે કહ્યું- ઓલિમ્પિક ક્વોલિફિકેશન પ્રક્રિયા પ્રભાવી રૂપથી બંધ થઈ ગઈ છે કારણ કે ખેલાડીઓ માટે પોઈન્ટ હાંસલ કરવાની હવે કોઈ તક નથી. ભારત માટે મહિલા સિંગલમાં પીવી સિંધુ, પુરૂષ સિંગલમાં બી સાઈ પ્રણીત અને ચિરાગ શેટ્ટી તથા સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીએ પુરૂષ ડબલ્સમાં ક્વોલિફિકેશન હાંસિલ કર્યું છે.

(7:27 pm IST)