Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભારતની સામેની ટેસ્ટ માટે અફઘાન ટીમ જાહેર કરાઈ

ઐતિહાસિક ટેસ્ટમાં રાશીદ ખાનનો સમાવેશ : આઈપીએલમાં જોરદાર દેખાવ કર્યા બાદ તમામની નજર

નવીદિલ્હી,તા. ૨૯ : દુનિયાના ટોપ બોલરોમાં સ્થાન મેળવી ગયેલા રશીદ ખાન ૧૪મી જૂનથી બેંગ્લોરમાં ભારત સામે શરૂ થઇ રહેલી ઐતિહાસિક એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનની ૧૫ સભ્યોની મજબૂત ટીમમાં સ્પીન વિભાગની જવાબદારી સંભાળશે. આઈપીએલમાં જોરદાર દેખાવ કરનાર રશીદ ખાન અને યુવા ખેલાડી મુજીબઉર રહેમાન ઉપરાંત અન્ય બે સ્પીનર ચાઈનામેન જાહીર ખાન અને આમીર હમ્ઝાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. રશીદ અને મુજીબે આઈપીએલમાં તમામને પ્રભાવિત કર્યા છે. હવે ટેસ્ટ મેચમાં પણ બંને ખેલાડીઓની કસોટી થનાર છે. બંનેમાંથી હજુ સુધી રશીદે ચાર પ્રથમ શ્રેણીની મેચો રમી છે જ્યારે મુજીબે ટેસ્ટ મેચોમાં ભાગ લીધો નથી. બેટ્સમેનોની જવાબદારીમાં કેપ્ટન સ્ટેનિકજઈ, ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શહેઝાદ અને ઓલરાઉન્ડર મોહમ્મદ નબી ઉપર રહેશે. ટીમના ખેલાડીઓમાં અનુભવને જોવામાં આવે તો કુલમળીને ૨૦૫ પ્રથમ શ્રેણીની મેચો છે. માત્ર ચાર ખેલાડીઓને ૨૦થી વધારે પ્રથમ શ્રેણીની મેચો રમવાનો અનુભવ છે. નબી આઈપીએલના બે સત્રમાં સનરાઈઝ હૈદરાબાદ માટે રમી ચુક્યો છે તે સૌથી વધારે ૩૨ પ્રથમ શ્રેણી મેચો રમી ચુક્યો છે. અફઘાનિસ્તાનને પોતાના અનુભવી ઝડપી બોલર દૌલત જાદરાનની કમી દેખાશે કારણ કે તે હાલમાં ઘાયલ થઇ ગયો છે. ભારત તરફથી કેપ્ટન રહાણેએ કહ્યું છે કે, અફઘાનિસ્તાનની ટીમ ચોક્કસપણે સારી ટીમ છે તેમાં યુવા કુશળ ખેલાડી છે. ડેબ્યુ ટેસ્ટ માટે અફઘાનિસ્તાનની ટીમમાં અનેક સ્ટાર ખેલાડીઓ રહેલા છે. અફઘાનિસ્તાનની ટીમ નીચે મુજબ છે.

સ્ટૈનિકજઈ (કેપ્ટન), મોહમ્મદ શહેઝાદ, અહમદી, રહમત શાહ, જતન, જમાલ, શાહિદી, જાજાઈ, નબી, રાશિક ખાન, જહીર ખાન, આમિર હમઝા, હોટક, શિરઝાદ, વફાદાર અને મુજીબ ઉર રહેમાન.

(7:34 pm IST)