Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વિમેન્સ ટી-૨૦ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો સતત ચોથો વિજય : શ્રીલંકાને આસાનીથી હરાવ્યુ

શ્રીલંકા ૨૦ ઓવર ૧૧૩/૯, ભારત - ૧૧૬/૩ : રાધા યાદવની ૪ વિકેટઃ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ૮ પોઈન્ટ સાથે ટોચના સ્થાને : ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને

મેલબોર્ન : મહિલા ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને પોતાનો વિજય રથ આગળ ધપાવ્યો છે. આજના મેચમાં ભારતે શ્રીલંકાને ૭ વિકેટે હરાવી લીગ મેચના તમામ મેચો જીતી લીધા હતા.

ત્રણ મુકાબલા જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્યિત કર્યા બાદ આજે શ્રીલંકા સામેની ઔપચારિક મેચમાં શ્રીલંકાએ પ્રથમ ટોસ જેતીને બેટિંગ લીધી હતી. ભારતીય બોલર્સના શ્રેષ્ઠ દેખાવને પગલે શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૧૩ રન જ કરી શકી હતી. રાધા યાદવે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખવા કરતા ચાર ઓવરમાં ૨૩ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત રાજેશ્વરી ગાયકવાડે બે વિકેટ તેમજ દિપ્તી શર્મા, શીખા પાંડે અને પૂનમ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.

ભારતીય મહિલા ટીમે બોલિંગ બાદ બેટિંગમાં પણ સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતું. શેફાલી વર્માએ ૪૭ રનની ઈનિંગ રમી હતી. સ્મૃતિ મંધાના અને હરમનપ્રિત કૌરે અનુક્રમે ૧૭ અને ૧૫ રન કર્યા હતા. ભારતે આસાન સ્કોરને ત્રણ વિકેટ ગુમાવીને ૧૪.૩ ઓવરમાં હાંસલ કરી લેતા સાત વિકેટે વિજય થયો હતો. દિપ્તી શર્મા (૧૫) અને જેમીમા રોડ્રિગ્ઝ (૧૫) અણનમ રહ્યા હતા.

ગ્રુપ એમાં ભારત અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને પરાજય આપીને અજેય રહી છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે ટોચના સ્થાને રહી છે. યજમાન ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ત્રણ મુકાબલા જીતીને બીજા ક્રમે છે.

(3:36 pm IST)