Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

જુનિયર હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું ભારત:પોલેન્ડને 8-2થી કચડી નાખ્યું

હોકીના યુવા સ્ટાર્સ સંજય, હુંડલ અરિજીત સિંહ અને સુદીપ ચિરમાકોએ 2-2 ગોલ કર્યા

નવી દિલ્હી :ભારતીય ટીમે ઓડિશામાં ચાલી રહેલા જુનિયર હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પૂલ બીની તેમની ત્રીજી મેચમાં ભારતે પોલેન્ડને 8-2ના વિશાળ અંતરથી હરાવ્યું. ભારતીય હોકીના યુવા સ્ટાર્સ સંજય, હુંડલ અરિજીત સિંહ અને સુદીપ ચિરમાકોએ 2-2 ગોલ કર્યા હતા.

ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં ફ્રાન્સ સામે હાર્યા બાદ, ભારતને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે બાકીની બંને મેચ જીતવી જરૂરી હતી. ભારતે ગ્રુપની બીજી મેચમાં કેનેડાને 13-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જવાની આશા જીવંત રાખી હતી. પોલેન્ડ સામેની મેચ તેના માટે કરો યા મરો જેવી હતી.

 

પોલેન્ડ પર શરૂઆતથી જ ભારતનું પલડું ભારે હતું. ભારતીય ટીમને મેચની ચોથી મિનિટે લીડ મળી હતી. પૂલની પ્રથમ બે મેચમાં ભારત માટે હેટ્રિક નોંધાવનાર સંજયે આ મેચમાં 2 ગોલ કર્યા હતા. તેણે ભારત માટે પ્રથમ ગોલ કર્યો હતો. કેનેડા સામે હેટ્રિક મારનાર હુંડલે પણ આ મેચમાં 2 ગોલ કર્યા હતા. આ સિવાય સુદીપ ચિરમાકોએ પણ 2 ગોલ કર્યા હતા. ભારત તરફથી ઉત્તમ સિંહ અને શારદાનંદ તિવારીએ પણ 1-1 ગોલ કર્યો હતો.

 

જુનિયર હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. આ મેચ 1 ડિસેમ્બરે રમાશે. ગયા જુનિયર હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમ રનર અપ હતું. ફાઈનલ મેચમાં ભારતીય ટીમે તેને હરાવ્યું હતું.

(7:43 pm IST)