Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

પ્લાન બી વિના ટીમ ઈન્ડિયા બીજી વન-ડે મેચમાં ઊતરશે

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં વિજય મેળવ્યો હતો : સિડનીમાં આજે રમાનારી વન-ડેનું સવારે ૯.૩૦થી જીવંત પ્રસારણ, ભારત ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦થી પાછળ

સિડની, તા.૨૮ :  લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે રહ્યું નથી. વિશ્વનું સૌથી ખતરનાક બોલિંગ આક્રમણ હોવા છતાં શુક્રવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારત યજમાન ઓસ્ટ્રેલિયાને નિયંત્રણમાં રાખી શક્યું ન હતું. ભારતીય બોલર્સ નિષ્ફળ રહ્યા હતા. હવે ભારત આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે ટીમ સામે શ્રેણી બચાવવાનો પડકાર રહેશે. મેચનું પ્રસારણ ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૧૦ કલાકથી થશે. પ્રથમ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લી ધી છે. ભારતનો ૬૬ રને પરાજય થયો હતો પરંતુ ટીમ કેટલા રનથી હારી તે મહત્વનું નથી, પણ યજમાન ટીમે જે રીતે ભારતીય ટીમની નબળાઈ છતી કરી દીધી તે મહત્વનું છે. હાર્દિક પંડ્યા બોલિંગ કરી શકતો ન હોવાથી ટીમનું બેલેન્સ બગડી ગયું છે તે ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર્યું છે.

હાર્દિક પંડ્યા ઈજામુક્ત થયા બાદ ફક્ત બેટિંગ કરી રહ્યો છે અને તે બોલિંગ કરી રહ્યો નથી. આઈપીએલની ૧૩મી સિઝનમાં પણ તેણે બોલિંગ કરી ન હતી. તે વન-ડે સિરીઝમાં તો બોલિંગ કરી શકશે નહીં, કદાચ તે ટી૨૦ વર્લ્ડ કપ સુધીમાં બોલિંગ કરે તેવી શક્યતા છે. હાર્દિક જોકે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે પ્રથમ મેચમાં ૭૬ બોલમાં ૯૦ રન ફટકાર્યા હતા પરંતુ તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો.

હાર્દિક પંડ્યા ફક્ત બેટ્સમેન તરીકે રમી રહ્યો છે તેવામાં ભારતીય પાસે બેકઅપ ઓલરાઉન્ડરની સમસ્યા છે અને ટીમ પાસે પ્લાન-બી પણ નથી. તેથી ભારતે તેના પ્લાન-એને યોગ્ય રીતે અમલી બનાવવો પડશે. તેવામાં કોહલી ઈચ્છશે કે તેના બોલર્સ વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરે. ભારત પાસે હાલમાં કોઈ પાર્ટ ટાઈમ બોલર પર નથી જે ટીમને મદદ :પ થઈ શકે. પ્રથમ મેચમાં યજમાન ટીમના ટોપ ઓર્ડરમાં એરોન ફિંચ, ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથે જસપ્રિત બુમરાહની આગેવાનીવાળા બોલિંગ આક્રમણની ધોલાઈ કરી હતી.

ભારત પાસે યુઝવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીના :પમાં સ્પિનર્સ છે પરંતુ પ્રથમ મેચમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ બંનેએ ૨૦ ઓરમાં ૧૭૨ રન આપ્યા હતા. ભારત પાસે વન-ડેમાં નટરાજનના :પમાં બેકઅપ સ્પિનર છે. જો, કોઈ ઈજાના કારણે રમી શકે નહીં તો બેટિંગ ક્ષમતા જોતા શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

પ્રથમ વન-ડેમાં એરોન ફિંચની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયન ટીમે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. બોલિંગ અને બેટિંગમાં ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ફિંચ અને સ્મિથે સદી ફટકારી હતી જ્યારે વોર્નરે અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલે પણ તોફાની બેટિંગ કરી હતી. જ્યારે બોલિંગમાં જોશ હેઝલવૂડે ભારતીય ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો અને બાદમાં લેગ-સ્પિનર એડમ ઝામ્પાએ તરખાટ મચાવ્યો હતો. તેથી ભારતે શ્રેણી જીવંત રાખવા માટે બેટિંગ અને બોલિંગમાં ધમાકેદાર પ્રદર્શન કરવું પડશે.

ભારતીય વનડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.

ઓસ્ટ્રેલિયન વન ડે ટીમઃ એરોન ફિંચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લ્યુબ્સેન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા, જોશ હેઝલવુડ, સીન એબોટ, એશ્ટન એગર, કેમેરોન ગ્રીન, મોઇસેસ હેન્રિક્સ, એર્ન્ડ્યુ ટાઇ, ડેનિયલ સિમ્સ, મેથ્યુ વેડ.

(8:58 pm IST)