Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેના ટી૨૦ સિરીઝ માટે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઇજાગ્રસ્‍ત થતા શ્રેણીમાંથી બહાર

મુંબઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ટી20 શ્રેણી માટે ભારત માટે ખરાબ સમાચાર છે. ટીમનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર ફેંકાઈ ગયો છે. મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં મહારાષ્ટ્ર સામેની મેચમાં શિખર ધવન ઘાયલ થયો છે. વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણી 6 ડિસેમ્બરથી શરૂ થવાની છે.

ધવનની ઈજા મોટી, સાજો થવામાં લાગશે સમય

ધવનને ડાબા ઘુંટણમાં કટ લાગ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે મંગળવારે ધવનની તપાસ કરી હતી. ટીમે સલાહ આપી છે કે, ધવનના પગમાં લેવાયેલા ટાંકા અને ઈજા સંપૂર્ણપણે સાજી થવામાં સમય લાગશે. આ કારણે જ ધવનને ટી20 ટીમમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સંજુ સેમસનનું નામ આપ્યું છે.

બીસીસીઆઈએ(BCCI) ધવનના વિકલ્પની કરી જાહેરાત

બીસીસીઆઈએ ધવનની ઈજાને ધ્યાનમાં લઈને તેના સ્થાને બીજા ખેલાડીની જાહેરાત કરી દીધી છે. હવે ધવનના સ્થાને ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસનને સામેલ કરાયો છે. સંજુ સેમસને અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ ટી20 ઈન્ટરનેશનલમેચ રમી છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી આ મેચમાં સંજુએ માત્ર 19 રન બનાવ્યા હતા. જોકે, સંજુ આઈપીએલની સિઝનમાં સારું પ્રદર્શન કરેલું છે.

સાહાનું પણ થયું ઓપરેશન

બીજી તરફ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ટીમના વિકેટકીપરને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. ભારત-બાંગ્લાદેશ સામેની કોલકાતાની ટેસ્ટમાં સાહા ઈજાગ્રસ્ત થયો હતો. બીસીસીઆઈની મુંબઈ સ્થિત મેડિકલ ટીમે સાહાની તપાસ કર્યા પછી તેને સર્જરી કરાવાની સલાહ આપી છે. મંગળવારે સાહાનું ઓપરેશન થયું છે.

તાજેતરમાં જ થઈ હતી ટીમની જાહેરાત

તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ હતી. જેમાં રોહિત શર્માને આરામ અપાયો નથી. કૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન મળ્યું નથી, તેના સ્થાને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન અપાયું છે.

વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીની ટીમ ઈન્ડિયા

ટી20 ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકી), શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.

(4:50 pm IST)