Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દુબઇના આંતરરાષ્‍ટ્રીય સ્‍ટેડીયમમાં આજે ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્‍ગજ બટ્‍સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માની ટીમો વચ્‍ચે આઇપીએલમાં મહા જંગ

દુબઈઃ ભારતના કહો કે વિશ્વના બે દિગ્ગજ બેટ્સમેન-વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)મા આજે સૌથી મોટો મુકાબલો જોવા મળશે. વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સની ટીમો દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં આમને-સામને હશે. કેપ્ટનશિપ પ્રમાણે જોવામાં આવે તો રોહિત આઈપીએલમાં કોહલી કરતા સારો સાબિત થયો છે. ચાર વાર મુંબઈને ટાઇટલ અપાવી ચુકેલ રોહિતને લીગના સૌથી સફળ કેપ્ટનમાં ગણવામાં આવે છે પરંતુ કોહલીનું ખાતુ ટ્રોફી વગર છે.

બેટિંગમાં પણ ભારે લાગી રહ્યો છે રોહિત

બેટિંગની વાત કરીએ તો રોહિત આ સીઝનમાં કોહલીથી એક પગલું આગળ ચાલી રહ્યો છે. પાછલી મેચમાં તેણે કોલકત્તા વિરુદ્ધ શાનદાર ઈનિંગ રમી ટીમની જીતની કહાની લખી હતી, પરંતુ કોહલી ફ્લોપ રહ્યો હતો. છેલ્લી બે મેચમાં વિરાટ મોટી ઈનિંગ રમી શક્યો નથી. અહીં આજે રમાનારી મેચમાં કોહલીની નજર પોતાના ફોર્મમાં વાપસી કરવા પર હશે. કોહલી તે વાત જાણે છે કે ટીમ તેના પર ખુબ નિર્ભર છે. તેનું બેટ શાંત રહેવાનો અર્થ છે કે બેંગલોરની અડધી ટીમ ખતમ થઈ જાય છે. તેથી કોહલીનું ધ્યાન મુંબઈના શાનદાર બોલિંગ આક્રમણ સામે રન કરવા પર હશે.

RCBમા ડિવિલિયર્સ અને ફિન્ચ, પણ મુંબઈની બોલિંગ મજબૂત

માત્ર કોહલી જ નહીં ટીમની વધુ એક તાકાત ડિવિલિયર્સ પણ તે પ્રયાસમાં હશે કે તેના બેટથી રન નિકળે. ઓપનિંગ જોડીને જ્યાં સુધી વાત છે તો પ્રથમ મેચમાં અડધી સદી ફટકારનાર દેવદત્ત પડિક્કલ સારા ફોર્મમાં છે. આ મેચમાં તેની સામે પડકાર હશે કારણ કે મુંબઈના બુમરાહનો સામનો કરવો આસાન રહેશે નહીં. તેનો ઓપનિંગ જોડીદાર એરોન ફિન્ચ પણ લયમાં છે. પરંતુ તે હજુ સુધી મોટી ઈનિંગ રમી શક્યો નથી. આ મેચમાં તેનું બેટ પણ બોલી શકે છે.

આરસીબીને જોઈએ ફિનિશર, બોલિંગ ચહલ પર નિર્ભર

ટીમની એક નબળાઈ જે કહી શકો છો તે છે એક ફિનિશરની. અહીં ટીમની પાસે કોઈ મોટું નામ કે એવી કોઈ પ્રતિભા હજુ સુધી જોવા મળી નથી જે અંતની ઓવરમાં ઝડપથી રન કરી શકે. શિવમ દુબે એક નામ છે પરંતુ તેનું નામ પણ કામ આવ્યું નથી. જોશ ફિલિપે મુંબઈ વિરુદ્ધ ક્યાં રમે છે તે વાત પર પણ નજર રહેશે. બોલિંગમાં તો ટીમની પાસે ડેલ સ્ટેન જેવુ નામ છે પરંતુ સ્ટેનમાં તે ધાર જોવા મળી નથી. ઉમેશ યાદવ અને નવદીપ સૈનીએ પહેલી મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ પ્રથમ કર્યું છે. આ બંન્ને પણ ટીમની બોલિંગનો દારોમદાર હશે. સ્પિનમાં યુજવેનદ્ર ચહલ પર ટીમ નિર્ભર કરશે. ચહલે પાછલી બંન્ને મેચમાં જરૂરીયાતના સમયે વિકેટ અપાવી છે.

રોહિત એન્ડ કંપનીને ચહલનો ખતરો

રોહિત એન્ડ કંપની માટે ચહલને દુબઈની પરિસ્થિતિઓમાં સંભાળવો મોટો પડકાર હશે. મુંબઈની ઓપનિંગ જોડી ડિ કોક અને રોહિત શર્મા ફોર્મમાં છે. સૂર્યકુમાર યાદવ પણ રન કરી રહ્યો છે. સૌરભ તિવારીએ અત્યાર સુધી મોટી ઈનિંગ રમી નથી, પણ તે ટીમને સંભાળવામાં સફળ રહ્યો છે. આ સીઝનમાં બસ આ ચાર બેટ્સમેન જ મુંબઈની ટીમની ધુરી છે. નિચલા ક્રમમાં પંડ્યા બ્રધર્સ અને કાયરન પોલાર્ડ હજુ શાંત રહ્યા છે. બેંગલોર વિરુદ્ધ જો ઉપરી ક્રમ નિષ્ફળ રહે તો આ ત્રણેય પર ભાર રહેશે.

શું હશે મુંબઈની રણનીતિ

બોલિંગમાં રોહિત થોડો સતર્ક રહેવા ઈચ્છશે કારણ કે સામે વિશ્વના બે દિગ્ગજ બોલર કોહલી અને ડિવિલિયર્સ છે. જો તેમાંથી કોઈ એક ચાલ્યો તો રોહિત તે અંજામને જાણે છે. રોહિત ચોક્કસ પણે પંજાબ અને બેંગલુરૂ વચ્ચે મેચને જોશે જ્યાં પંજાબે આ બંન્ને બેટ્સમેનોને રોકવા ખાસ રણનીતિ હેઠળ બે લેગ સ્પિનર ઉતાર્યા હતા. અહીં લેગ સ્પિનર રાહુલ ચહરની જવાબદારી વધી જશે અને જો રોહિત બીજા સ્પિનર સાથે ઉતરે તો જોવાનું રહેશે તે કોણ હશે. ફાસ્ટ બોલિંગમાં બુમરાહ સિવાય બોલ્ટ પર પણ જવાબદારી હશે અને પ્રયાસ કરશે કે ફિન્ચ, કોહલી અને ડિવિલિયર્સને શરૂઆતમાં પેવેલિયન પરત મોકલી આપે.

રોયલ ચેલેન્જર બેંગલુરૂઃ વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડ્ડીકલ, પાર્થિવ પટેલ, ગુરકિરતસિંહ, મોઇન અલી, પવન નેગી, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ક્રિસ મોરિસ, પવન દેશપાંડે, એરોન ફિંચ , જોશુઆ ફિલીપ, શાહબાઝ અહેમદ, કેન રિચર્ડસન, ડેલ સ્ટેન અને ઇસુરુ ઉડાના.

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, ઇશાન કિશન, ક્વિન્ટન ડીકોક, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, શેરફન રુધરફોર્ડ, સુચિત રોય, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, મિશેલ મેક્લેન્ઘન, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રિસ લિન, સૌરભ તિવારી, નાથન કુલ્ટર નાઇલ, મોહસીન ખાન, પ્રિંસ બળવંત રાય સિંહ અને દિગ્વિજય દેશમુખ.

(4:23 pm IST)