Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પ્રો કબડ્ડી : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો તમિલ થલાઈવાસ સામે 50-21થી જબરજસ્ત વિજય

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનું શાનદાર પ્રદર્શન : 10મી મિનિટે તમિલને ઓલઆઉટ કરી દીધું

પંચકુલાઃ પ્રો કબડ્ડી 2019ના પંચકુલા લેગના બીજા મુકાબલામાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે તમિલ થલાઇવાસ 50-21થી પરાજય આપ્યો છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં 44 પોઈન્ટની સાથે આઠમાં સ્થાન પર પહોંચી ગયું છે અને ટીમની આશા જીવંત છે,જોકે બીજી મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. તમિલનો આ સતત 13મો પરાજય છે અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે.

  ગુજરાત માટે રોહિત ગુલિયા અને સોનૂએ સુપર 10 લગાવ્યું, તો તમિલ માટે રાહુલ ચૌધરી માત્ર 5 પોઈન્ટ હાસિલ કરી શક્યો હતો. પરંતુ રાહુલ ચૌધરીએ પીકેએલમાં પોતાના 1000 પોઈન્ટ પૂરા કરી લીધા છે અને પ્રદીપ નરવાલ બાદ આ સિદ્ધિ મેળવનાર બીજો ખેલાડી બની ગયો છે.

  પ્રથમ હાફ બાદ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે તમિલ થલાઇવસ પર 20-9ની વિશાળ લીડ બનાવી હતી. ગુજરાતે મેચમાં શાનદાર શરૂઆત કરી અને 10મી મિનિટે તમિલને ઓલઆઉટ કરી દીધું હતું. તમિલના સૌથી અનુભવી ખેલાડી રાહુલ ચૌધરીએ મેચની 11મી મિનિટે પોતાનું ખાતું ખોલ્યું હતું, જો કે તેનું ફોર્મ ટીમના પ્રદર્શનને દર્શાવે છે. ટીમના ડિફેન્ડર અને રેડર્સે બધાને નિરાશ કર્યા, જેનો ફાયદો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સે શાનદાર રીતે ઉઠાવ્યો હતો.

  બીજા હાફમાં પણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો અને તે તમિલને બીજીવાર ઓલઆઉટ કરવાની નજીક પહોંચી ગઈ હતી. તમિલની ટીમ રાહુલ ચૌધરીને રિવાઇવ કરાવવામાં નિષ્ફળ રહી, જેથી ટીમ 26મી મિનિટે બીજીવાર ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાતે પોતાની પકડ બનાવી રાખી અને તમિલને ત્રીજીવાર ઓલઆઉટની નજીક પહોંચાડી દીધું હતું, પરંતુ હિમાંશુએ બે પોઈન્ટ લઈને તમિલને બચાવ્યું ત્યારબાદ તમિલના ડિફેન્સે રોહિત ગુલિયાનો શિકાર પણ કર્યો હતો. આખરે રોહિતે એક રેડમાં તમિલના બાકી બંન્ને ખેલાડીઓને આઉટ કરીને મેચમાં તેને ત્રીજીવાર ઓલઆઉટ કર્યું હતું. અંતમાં આસાનીથી ગુજરાતની ટીમે મેચ પોતાના નામે કરી લીધી હતી. 

(10:32 pm IST)