Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કોરિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં સાઈનાંનો પરાજય::ઓકુહારા સામે સળંગ ત્રીજીવાર હારી

 

નવી દિલ્હી :ભારતીય સ્ટાર શટલર સાઈના નેહવાલનો કોરિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થયો છે અને સાથે વર્લ્ડ ટુર સુપર 500 ટુર્નામેન્ટમાં ભારતના અભિયાનનો અંત આવ્યો છે સાઈના ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારા સામે હારી ગઈ હતી.

 ભારતની પાંચમી ક્રમાકિત શટલરે ચાર મેચ પોઈન્ટ આપી દેતા તેનો 21-15, 15-21, 20-22થી પરાજય થયો હતો. સાઈના અને ત્રીજી ક્રમાંકિત ઓકુહારાનો મુકાબલો એક કલાક સુધી ચાલ્યો હતો. જાપાની ખેલાડી સામે સાઈનાનો સળંગ ત્રીજો પરાજય છે.

  મુકાબલા અગાઉ ઓકુહારા સામે સાઈનાનો રેકોર્ડ 6-3નો રહ્યો હતો પરંતુ છેલ્લા બે મુકાબલાની જેમ વખતે પણ ભારતીય શટલર ઓકુહારાના પડકારને પાર પાડવામાં નિષ્ફળ રહી. સાઈનાની શરૂઆત સારી નહોતી રહી ઓકુહારાએ 3-0ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બાદમાં ભારતીય શટલરે 6-6થી સ્કોર સરભર કરી દીધો હતો અને પ્રથમ બ્રેક સુધી તેણે સ્કોર 11-10નો કરી દીધો હતો.

  બ્રેક બાદ સાઈનાએ આગેકૂચ જારી રાખી હતી અને સળંગ પાંચ પોઈન્ટ સાથે 15-12ની સરસાઈ મેળવી લીધી હતી. બાદમાં તેણે આઠ ગેમ પોઈન્ટ મેળવીને પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી હતી. બીજી ગેમમાં ઓકુહારાએ 4-1ની સરસાઈ સાથે શરૂઆત કરી હતી. બાદમાં સ્કોર 8-8નો થઈ ગયો હતો. જાપાની ખેલાડીએ બાદમાં 14-9નો સ્કોર કરી દીધો હતો અને બીજી ગેમ જીતીને મેચને જીવંત બનાવી દીધી હતી.

  નિર્ણાયક ગેમમાં સાઈનાએ 4-1થી શરૂઆત કરી હતી પરંતુ જાપાની ખેલાડીએ પણ હાર માની હતી અને બ્રેક સુધી સ્કોર 10-11 કરી દીધો હતો. બ્રેક બાદ સાઈનાએ પાંચ પોઈન્ટ મેળવીને સ્કોર 16-10 અને બાદમાં ચાર મેચ પોઈન્ટ મેળવીને 20-16નો કરી દીધો હતો. જોકે, જાપાની ખેલાડીએ અંતમાં અદ્દભુત પ્રદર્શન કરીને પોઈન્ટ મેળવીને ગેમ અને મેચ બંને જીતી લીધા હતા અને સાઈનાના શાનદાર અભિયાનનો નિરાશાજનક અંત આવ્યો હતો.

(1:22 am IST)