Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી નંબરવન : ટોપ-૧૦માં પ્રથમવાર જસપ્રીત બુમરાહને સ્થાન

ચોથાક્રમે ચેતેશ્વર પુજારા : અજિંક્ય રહાણે 11માં ક્રમે

મુંબઈ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેનનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જયારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં કરેલ શાનદાર પ્રદર્શનના આધારે પ્રથમ વખત ટોપ-૧૦ માં સ્થાન મળ્યું છે .

જસપ્રીત બુમરાહે વેસ્ટ ઇન્ડીઝ સામે ગુયાનામાં રમાયેલ પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં ૮ ઓવરોમાં ૭ રન આપી ૫ વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે જસપ્રીત બુમરાહ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ૯ સ્થાનના સુધારા સાથે ૭ માં સ્થાન પર પહોંચી ગયા છે. આ તેમની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. દુનિયાના નંબર વનડે બોલર જસપ્રીત બુમરાહ પ્રથમ વખત ટોપ-૧૦ માં પહોંચ્યા છે.

આઈસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં વિરાટ કોહલી ૯૧૦ પોઈન્ટ સાથે નંબર વન સ્થાન પર છે. જયારે તેમને ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથ (૯૦૪) થી ઘણી ટક્કર મળી રહી છે. ટોપ-૧૦ બેટ્સમેનોમાં ભારતના ચેતેશ્વર પુજારા પણ સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે. ચેતેશ્વર પુજારા ચોથા સ્થાન પર છે. ટોપ-૧૦ બેટ્સમેનોની યાદીમાં ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સન, હેનરી નિકોલ્સ, ટોમ લાથમ, સાઉથ આફ્રિકાના એડમ માર્કરમ અને ક્વિન્ટન ડી કોક, શ્રીલંકાના દીમુથ કરુણારત્ને અને ઇંગ્લેન્ડના જો રુટ પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. ભારતના અજિંક્ય રહાણે ૧૦ સ્થાનના સુધારા સાથે તે ૧૧ માં સ્થાન પર આવી ગયા છે. વેસ્ટ ઇન્ડીઝ સામે પ્લેયર ઓફ ધ મેચ રહેલા અજિંક્ય રહાણેએ પ્રથમ ઇનિંગમાં અડધી સદી અને બીજીમાં સદી ફટકારી હતી.

બોલરની રેન્કિંગની વાત કરીએ તો તેમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને જબરદસ્ત ફાયદો થયો છે. તે પ્રથમ વખત ટોપ ૧૦ ટેસ્ટ બોલરોમાં સામેલ થયા છે. તાજેતરની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ૯ સ્થાનના સુધારા સાથે સાતમાં સ્થાન પર છે. જસપ્રીત બુમરાહે અત્યાર સુધી માટે ૧૦ ટેસ્ટ મર્યા છે અને એટલામાં જ તેમને ૭૭૪ રેટિંગ પોઈન્ટ પ્રાપ્ત કરી લીધા છે. ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ ટોપ-૧૦ માં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. રવિચંદ્રન અશ્વિન ૧૩ માં જ્યારે મોહમ્મદ શામી ૧૯ માં સ્થાન પર છે. ઓસ્ટ્રેલીયાના પેટ કમિન્સ પ્રથમ સ્થાન પર રહેલા છે. જ્યારે સાઉથ આફ્રિકાના કાગીસો રબાડા બીજા અને ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન ત્રીજા નંબર પર રહેલા છે.

(1:55 pm IST)