Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

દીપિકા કુમારી ગોલ્ડની હેટ્રિક સાથે વિશ્વની નંબર-૧ તિરંદાજ

પેરિસમાં વર્લ્ડ તિરંદાજીમાં ભારતીય ખેલાડીનો ઈતિહાસ : દીપિકાએ બીજી વખત તિરંદાજીમાં ઉપલબ્ધિ હાંસલ કરી, ૨૦૧૨માં પહેલીવાર તિરંદાજીમાં ટોચનું સ્થાન મેળવ્યું

નવી દિલ્હી, તા. ૨૮ : ભારતની સ્ટાર મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસ ખાતે ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપ સ્ટેજ ૩માં રિકર્વ વ્યક્તિગત સ્પર્ધા ૬-૦થી જીતીને સુવર્ણ પદકની પોતાની હેટ્રિક પૂરી કરી છે. આ વિજય સાથે જ દીપિકા કુમારી વિશ્વની નંબર-૧ મહિલા તીરંદાજ બની ગઈ છે.

વિશ્વ તીરંદાજી દ્વારા સોમવારે નવું રેક્નિંગ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દીપિકાને પહેલું સ્થાન મળ્યું છે. કુમારીએ બીજી વખત તીરંદાજીમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. રાંચી સાથે જોડાયેલી ૨૭ વર્ષીય દીપિકા કુમારીએ ૨૦૧૨માં પહેલી વખત તીરંદાજીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. રવિવારે દીપિકાએ વ્યક્તિગત અને મિશ્રિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

સોમવારે વર્લ્ડ આર્ચરી તરફથી સત્તાવાર ટ્વીટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, દીપિકા કુમારીએ વિશ્વ તીરંદાજીમાં પહેલી રેક્ન હાંસલ કરી છે. દીપિકા કુમારીએ પહેલા અંકિતા ભકત અને કોમાલિકા બારી સાથે મહિલા રિકર્વ ટીમ સ્પર્ધામાં મેક્સિકોને સરળતાથી હરાવીને સુવર્ણ પદક જીત્યો હતોત ત્યાર બાદ તેમણે પોતાના પતિ અતાનૂ દાસ સાથે ૦-૨થી પાછળ રહ્યા બાદ નેધરલેન્ડના સેફ વાન ડેન અને ગૈબ્રિએલાની જોડીને ૫-૩ના અંતરથી હરાવીને ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું હતું. ત્યાર બાદ રાંચીની રાજકુમારીએ રશિયાની ૧૭મી રેક્ન પ્રાપ્ત એલિના ઓસીપોવાને ૬-૦ના અંતરથી હરાવીને સુવર્ણ પદક જીત્યો હતો. દીપિકાના ઓવરઓલ પદકોની વાત કરીએ તો ૯ સુવર્ણ, ૧૨ રજત અને ૭ કાંસ્ય પદક જીતવામાં સફળ રહી છે.

(7:52 pm IST)