Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

ભારતીય ક્રિકેટમાં પણ છે નેપોટિઝમનું ચલણ ?

નવી દિલ્હી, તા. ૨૮ : ટેલેન્ટેડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી બોલિવૂડ સહિત તમામ ક્ષેત્રોમાં ભાઈ-ભત્રીજાવાદ એટલે કે નેપોટિઝ્મ પર ચર્ચા થઈ રહી છે. લોકો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવી રહ્યા છે. આવામાં પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ એ વાતનું ખંડન કર્યું છે કે, ભારતીય ક્રિકેટમાં નેપોટિઝ્મ જેવું કંઈ છે. તેણે આના માટે મહાન સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરના ઉદાહરણો પણ આપ્યા.

તેમણે ભારતીય ક્રિકેટમાં નેપોટિઝમનું ખંડન કરતા કહ્યું કે, 'મોટા લેવલ પર તમે જોશો કે, જો નેપોટિઝમની અસર હોત તો રોહન ગાવસ્કર કે સુનીલ ગાવસ્કરનો પુત્ર છે, લાંબા સમય સુધી ક્રિકેટ રમત પણ એવું ન થયું. જ્યારે તેણે ભારત માટે રમવાનું શરૂ કર્યું ત્યારે તેનું કારણ બંગાળ માટે તેણે કરેલું શાનદાર પરફોર્મન્સ હતું.'

તેણે આગળ કહ્યું કે, સુનીલ ગાવસ્કરે પોતાના પુત્રને મુંબઈથી રમવા દીધો નહોતો. આ જ વાત સચિનના પુત્ર અર્જુન માટે પણ કહી શકાય છે. તેને કશું જ પીરસવામાં આવી રહ્યું નથી. જો અર્જુન ભારત અથવા મુંબઈ રણજી ટીમમાં રમશે તો માત્રને માત્ર પોતાના પ્રદર્શનના દમ પર જ રમશે.  ઉચ્ચતમ સ્તર પર કોઈ સમાધાન થતા નથી. મને નથી લાગતું કે, અન્ય ઈન્ડસ્ટ્રીઝની તુલનામાં ક્રિકેટમાં ભાઈ-ભત્રીજાવાદ પ્રાસંગિક છે.

ઉલ્લેખનીય છે કે, મોટા-મોટા રણજી રેકોર્ડ્ઝ ધરવનારો સુનીલ ગાવસ્કરનો પુત્ર રોહન ભારત માટે ફક્ત ૧૧ વન-ડે જ રમી શક્યો હતો. બીજી તરફ, અર્જુન તેંડુલકર મુંબઈ રણજી ટીમમાં સ્થાન મેળવવા માટે મેહનત કરી રહ્યો છે. ૬ ફૂટથી વધુ ઊંચો અર્જુન ફાસ્ટ બોલરની સાથે-સાથે સારો બેટ્સમેન પણ છે. તે ઈંગ્લેન્ડ ટીમને નેટ પર બોલિંગ પણ કરી ચૂક્યો છે. જ્હૉની બેયરસ્ટો તેની બોલિંગ પર ઈજાગ્રસ્ત થયો હતો.

 તે IPLમાં મુંબઈની ટીમના નેટ સેશનમાં પણ ભાગ લે છે, પણ હજુ તેની પાસે કોઈપણ ફ્રેન્ચાઈઝીનો કૉન્ટ્રાક્ટ નથી.

(12:33 pm IST)