Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ક્રિકેટના ૧૦૦ કરોડથી વધુ ચાહકોઃ ૯૨%ને ટી-૨૦ પસંદઃ સર્વે

૯૦ ટકા ક્રિકેટ ફેન ભારતીય ઉપમહાદ્વિપમાં ઓલમ્પિકમાં ટી-૨૦નો સમાવેશ કરવાની માંગ

દુબઈ તા. ૨૮ : વિશ્વમાં ક્રિકેટના ૧૦૦ કરોડથી વધુ ફેન્સ છે અને તેમાંથી ૯૨ ટકા તેના સૌથી લોકપ્રિય ફોર્મેટ ટી-૨૦ને પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) દ્વારા કરાયેલા એક વૈશ્વિક સર્વેમાં આ ખુલાસો થયો છે. આઈસીસીના સર્વે પ્રમાણે એક તરફ જયાં વિશ્વભરમાં ક્રિકેટના સો કરોડથી વધુ ફેન છે તેમાં ૯૦ ટકા ભારતીય ઉપમહાદ્વિપ (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા)થી આવે છે.

 

આઈસીસીએ આ સર્વેમાં તે જાણવાનો પ્રયત્ન કર્યો કે ક્રિકેટનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે. તેના માધ્યમથી આઇસીસીને આ રમતને વૈશ્વિક વિકાસ માટે આગળની રણનીતિ પર કામ કરવામાં મદદ મળશે. સર્વેમાં ૧૨ સભ્ય દેશો સિવાય ચીન અને અમેરિકામાં પણ કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર ક્રિકેટને ચાહનારા ફેન્સ ૧૬ થી ૬૯ વર્ષની ઉંમર વર્ગના છે અને વિશ્વભરમાં ક્રિકેટને ચાહનારાની સરેરાશ ઉંમર ૩૪ વર્ષ છે.

ક્રિકેટની મુખ્ય સંસ્થા તરફથી કરાયેલા સર્વેથી જાણવા મળ્યું કે, ટી-૨૦ બાદ આશરે ૮૮ ટકા લોકોને વનડેમાં રસ છે. જયારે આશરે ૮૭ ટકા લોકનું તે માનવું છે કે ટી-૨૦ ફોર્મેટને ઓલંમ્પિક રમતોમાં સામેલ કરવું જોઈએ. ૯૫ ટકા લોકો હજુપણ ૫૦ ઓવરનો વિશ્વકપ અને ટી-૨૦ વર્લ્ડ કપને પસંદ કરે છે. રિપોર્ટને આ સપ્તાહના અંતમાં ડબલિનમાં યોજાનારા આઈસીસીના વાર્ષિક સંમેલનમાં સાર્વજનિક કરવામાં આવી શકે છે.

સર્વેમાં તે પણ જાણવા મળ્યું કે, ૬૮ ટકા મહિલા ફેન્સને ક્રિકેટ જોવામાં રૂચિ છે, જયારે ૬૫ ટકા મહિલા વિશ્વકપમાં રૂચિ લે છે. આ સિવાય આશરે ૭૦ ટકા દર્શકો ઈચ્છે છે કે મહિલા ક્રિકેટનું વધુમાં વધુ પ્રસારણ કરવામાં આવે. તેવું માનવામાં આવતું હતું કે ટી-૨૦ આવવાથી ટેસ્ટ ક્રિકેટ ખતમ થતું જાઈ છે પરંતુ આ સર્વેમાં આ ધારણા ખોટી સાબિત થઈ છે. સર્વેમાં સામેલ ૧૯૦૦૦થી વધુ લોકોમાંથી આશરે ૭૦ ટકા લોકો ટેસ્ટ ક્રિકેટને પસંદ કરે છે.(૨૧.૬)

(1:45 pm IST)