Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

તો ટી-૨૦ વર્લ્ડકપ ભારતમાં જ રમાડવો પડશે

યુએઈમાં માત્ર ત્રણ જ સ્ટેડીયમ, સતત મેચોનું આયોજન કરી શકાય નહીઃ પિચ અને ગ્રાઉન્ડને મેચો માટે આટલી ઝડપી તૈયાર કરવું ખૂબ મુશ્કેલ

નવી દિલ્હીઃ બીસીસીઆઇ આઇપીએલની ૧૪મી સિઝનની બાકી રહેલી ૩૧ મેચોનું આયોજન સંયુકત અરબ અમીરાત એટલે કે યુએઇના ત્રણ સ્ટેડિયમમાં કરવા ઇચ્છે છે. જો આવું બનશે તો પછી ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન બીસીસીઆઇને ભારતમાં જ કરવું પડશે. આની પાછળનું કારણ એ છે કે, યુએઇમાં માત્ર ત્રણ જ સ્ટેડિયમ છે અને ત્યાં સતત મેચોનું આયોજન કરી શકાય નહીં.

પાકિસ્તાન સુપર લીગ એટલે કે પીએસએલની બાકીની ૨૦ મેચ અબુધાબીમાં રમાશે. જો બધુ અનુકૂળ રહેશે તો આઇપીએલની ૩૧ મેચ પણ યુએઇના દુબઇ, શારજાહ અને અબુધાબીમાં રમાશે. આવી રીતે ત્રણ મેદાન પર કુલ ૫૧ મેચ રમાશે. જો ટી૨૦ વર્લ્ડ કપ ભારતથી શિફ્ટ થઇને યુએઇમાં રમાશે તો ૪૫ મેચ ટી૨૦ વર્લ્ડ કપની હશે. આવી રીતે ત્રણ મેદાન પર સતત ૯૬ મેચનું આયોજન સફળતાપૂર્વક થવું અસંભવ છે.

જો પીએસએલની ૨૦ મેચ બીસીસીઆઇના ધ્યાન બહાર હોય તો પણ સપ્ટેમ્બર-ઓકટોબરમાં આઇપીએલ ૨૦૨૧ની ૩૧ મેચ અને ટી૨૦ વર્લ્ડ કપની ૪૫ મેચ એમ મળીને ૭૬ મેચ ત્રણ મેદાન પર ત્રણ મહિનાની અંદર સંભવ તો છે, પરંતુ પિચ અને ગ્રાઉન્ડને મેચો માટે આટલી ઝડપથી તૈયાર કરવું ઘણું મુશ્કેલ કામ છે. જો એવું બનશે તો પિચ સતત ધીમી પડતી જશે અને મેચ દરમિયાન કોઇ રોમાંચ જોવા નહીં મળે. આવું જ આઇપીએલ ૨૦૨૦ દરમિયાન બન્યું હતું.શારજાહના નાના ગ્રાઉન્ડ પર યોજાયેલી શરૂઆતની મેચોને બાદ કરતાં ઘણી ઓછી મેચોમાં ૨૦૦ કે તેથી વધુ સ્કોર ઊભો થયો હતો. આવામાં જો ટી૨૦ વર્લ્ડ કપમાં લો સ્કોરિંગ મેચ જોવા મળે તો ઘરે બેસીને મેચ જોનારા દર્શકો માટે રોમાંચ નહીં રહે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઇસીસી પણ નહીં ઇચ્છે કે આટલા ઓછા સમયમાં આટલી બધી મેચો માત્ર ત્રણ સ્થળે જ રમાય. આવામાં બીસીસીઆઇને ભારતમાં જ ટૂર્નામેન્ટની મેજબાની કરવા અંગે વિચાર કરવું પડશે.

(11:37 am IST)