Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

પાકિસ્‍તાનના પૂર્વ બોલર શોએબ અખ્‍તરના બોલનો સામનો કરવો સચિન તેંડુલકર માટે પણ મુશ્‍કેલ હતોઃ પાકિસ્‍તાનના ફાસ્‍ટ બોલર મોહમ્‍મદ આસિફનો દાવો

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન સચિન તેન્ડુલકરનું નામ દુનિયાના સૌથી સારા બેટ્સમેનમાં ગણાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિનના નામે અનેક મોટા રેકોર્ડ નોંધાયેલા છે જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. આમ તો જ્યારે સચિન મેદાન પર પોતાના બેટ સથે ઉતરતા હતાં તો સામેવાળી ટીમના સારામાં સારા બોલર તેમનાથી ગભરતા હતાં. તેમણે દુનિયાના તમામ બોલરોને પોતાની બેટિંગથી ખુબ પરેશાન કર્યા, પરંતુ એક સમય એવો પણ હતો કે પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરની બોલનો સામનો કરવો સચિન માટે પણ મુશ્કેલી બની ગઈ હતી. આ વાતનો દાવો હાલમાં જ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફે કર્યો છે.

આસિફે એક કિસ્સા અંગે વાત કરતા કહ્યું કે જ્યારે વર્ષ 2006માં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પ્રવાસે હતી ત્યારે તે સમયે કરાચી ટેસ્ટ દરમિયાન સચિન તેન્ડુલકરે શોએબ અખ્તરના બાઉન્સર પર પોતાની આંખ બંધ કરી લીધી હતી. અહીં મોહમ્મદ આસિફ તે સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ અંગે વાત કરી રહ્યો હતો, જે કરાચીમાં રમાઈ હતી. તેણેતે મેચ વિશે વધુમાં કહ્યું કે, 'મેચની શરૂઆતમાં ઈરફાન પઠાણે પહેલી જ ઓવરમાં 3 વિકેટ લઈને હેટ્રિક લીધી હતી અને ત્યારબાદ અમારી ટીમનું મનોબળ ખુબ ઘટી ગયું હતું. કામરાન અકમલે તે મેચમાં સેન્ચ્યુરી મારી અને અમે 240 રન બનાવી લીધા હતાં.'

આસિફે વધુમાં જણાવ્યું કે, 'હું તે સમયે સ્ક્વેર લેગ પર હતો અને શોએબ સતત ફાસ્ટ બોલ નાખી રહ્યો હતો અને સચિન બેટિંગ કરી રહ્યાં હતાં. ત્યારે મે જોયુ કે શોએબની એક બે બાઉન્સર્સને રમતા સચિને પોતાની આંખ બંધ કરી લીધી હતી. ભારતની ટીમ બેકફૂટ પર હતી, આવામાં અમે હારતા હારતા જીત મેળવવામાં સફળ થયા હતાં.'

આસિફે જણાવ્યું કે જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના પ્રવાસે આવી હતી ત્યારે તેમની બેટિંગ લાઈન અપ ખુબ સ્ટ્રોંગ હતી, રાહુલ દ્રવિડ ખુબ શાનદાર હતાં. બીજી બાજુ વિરેન્દ્ર સહેવાગે મુલ્તાનમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. અત્રે જણાવવાનું કે મોહમ્મદ આસિફ પર વર્ષ 2010માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સ્પોટ ફિક્સિંગ કરવાના આરોપમાં 7 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

(5:04 pm IST)