Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ઓસ્‍ટ્રેલિયાએ આઇસીસી મહિલા ટી૨૦ વિશ્વકપની ગ્રુપ-એની મેચમાં બાંગ્લાદેશને ૮૬ રને કારમો પરાજય આપી અનેક રેકોર્ડ સર્જ્યા

કેનબરાઃ ઓસ્ટ્રેલિયાએ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની ગ્રુપ-એની મેચમાં બાંગ્લાદેશને 86 રને કારમો પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં એલિસા હીલી અને બેથ મૂનીની પ્રથમ વિકેટ માટે રેકોર્ડ ભાગીદારીનું મહત્વનું યોગદાન રહ્યું છે. વિકેટકીપર બેટ્સમેન હીલી અને મૂનીએ કેનબરામાં પ્રથમ વિકેટ માટે 151 રન જોડ્યા હતા. આ બંન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે આ ભાગીદારી મહિલા ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઓસ્ટ્રેલિયા તરફથી કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે.

ભાગીદારીનો આ રેકોર્ડ

મહિલા ટી20 વિશ્વકપમાં હીલી-મૂની વચ્ચે થયેલી ભાગીદારી કોઈપણ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. ટી20 વિશ્વકપમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીની વાત કરીએ તો આ રેકોર્ડ 169* રનનો છે, જે આ વિશ્વકપ દરમિયાન ત્રીજી વિકેટ માટે કેનબરામાં ઈંગ્લેન્ડની નતાલી સિવર અને હીથર નાઇટે થાઈલેન્ડ વિરુદ્ધ આ ભાગીદારી કરી હતી.

હીલીના નામે રેકોર્ડ જ રેકોર્ડ!

એલિસા હીલીએ આ મેચ દરમિયાન ઘણા કીર્તિમાન પોતાના નામે કર્યાં હતા. હવે મહિલા ટી20 વિશ્વકપમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે હીલીના નામે સર્વાધિક રન (558) થઈ ગયા છે. આ સાથે મહિલા ટી20 વિશ્વકપમાં કીપર તરીકે સર્વાધિક શિકાર (22)નો રેકોર્ડ પણ તેના નામે થઈ ગયો છે. આ સિવાય તે મહિલા ટી20 વિશ્વકપમાં સૌથી મોટી ઈનિંગ (83) રમનારી વિકેટકીપર બેટ્સમેન બની ગઈ છે.

હીલીએ 53 બોલ પર 83 રન અને મૂનીએ 58 બોલ પર અણનમ 81 રન બનાવ્યા હતા, આ બંન્ને સિવાય એશલીગ ગાર્ડનરે નવ બોલમાં આક્રમક 22 રન ફટકાર્યા હતા, જેથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા એક વિકેટ પર 189 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

બાંગ્લાદેશની ટીમ તેના જવાબમાં નવ વિકેટ પર 103 રન બનાવી શકી હતી. તેના માટે ફરઝાના હકે સર્વાધિક 36 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મેગન શટે 21 રન આપીને 3 અને જેસ જોનાસને 17 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

ઓસ્ટ્રેલાયની ત્રીજી મેચમાં આ બીજી જીત છે, જેથી તેના ચાર પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ભારત બાદ બીજા સ્થાને પહોંચી ગયું છે. હીલી અને મૂનીએ ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવીને જીતનો પાયો નાખ્યો હતો. હીલીએ પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા, જ્યારે મૂનીએ 9 ચોગ્ગા ફટકાર્યા હતા.

(4:31 pm IST)