Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ભારતીય મહિલા ટીમે આઇસીસી ટી૨૦ વિશ્વકપ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલમાં પ્રવેશ બાદ જેમિમાહ રોડ્રિગ્સનો ડાન્સ-મસ્તી કરતો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમે આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં ગુરૂવારે ન્યૂઝીલેન્ડને ચાર રનથી હરાવ્યું હતું. આ સાથે તેણે ટૂર્નામેન્ટમાં જીતની હેટ્રિક બનાવી અને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભાતીય ટીમ ટૂર્નામેન્ટમાં જે અંદાજમાં પ્રદર્શન કરી રહી છે, તેનું સૌથી મોટું કારણ આત્મવિશ્વાસ છે. આ વિશ્વાસ મેદાનની બહાર પણ જોવા મળે છે. ખેલાડી મેદાનની બહાર મસ્તી કરી રહ્યાં છે. આઈસીસીએ એક એવો વીડિયો શેર કર્યો છે, જેમાં જેમિમાહ રોડ્રિગ્સ ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી રહી છે.

મુંબઈમાં જન્મેલી જેમિમાહ રોડ્રિગ્સ પોતાની રમતની સાથે મસ્તી કરવા માટે પણ જાણીતી છે. તેણે ઘણીવાર પોતાના ડાન્સ-ગીતનો વીડિયો શેર કર્યો છે. પરંતુ આ વખતે તેનો વીડિયો આઈસીસીએ શેર કર્યો છે. 19 વર્ષીય જેમિમાહ આ વીડિયોમાં એક સિક્યોરિટી ગાર્ડની સાથે ડાન્સ કરી રહી છે.

આઈસીસીએ વીડિયો શેર કરતા લખ્યું, 'હાં, જેમિમાહ રોડ્રિગ્સ. તે એક ઓફ ડ્યૂટી સિક્યોરિટી ગાર્ડની સાથે ડાન્સ કરી રહી છે.' આ વીડિયો સ્ટેડિયમનો લાગી રહ્યો છે, ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પહેલા શેર કરવામાં આવ્યો હતો.

જેમિમાહ રોડ્રિગ્સ ટીમ ઈન્ડિયામાં ત્રીજા કે ચોથા ક્રમે બેટિંગ કરે છે. તે ભારતની એવી ખેલાડી છે, જે જરૂરીયાત પ્રમાણે રમી શકે છે. જેમિમાહ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં સારૂ પ્રદર્શન કરી રહી છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. તેણે ત્રણ મેચમાં 70 રન બનાવ્યા છે. ભારત તરફથી સૌથી વધુ રન શેફાલી વર્મા (114)એ બનાવ્યા છે.

(4:30 pm IST)