Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

છેલ્લા ૫૦ વર્ષમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડમાં માત્ર બે જ ટેસ્ટ જીત્યુ છે : કાલે ક્રાઈસ્ટ ચર્ચમાં જંગ

સિરીઝમાં ભારત ૦-૧થી પાછળ, સિરીઝ સરભર કરશે કે... : વરસાદની સંભાવના વચ્ચે પિચથી બોલરોને મદદ મળશે : શુભમન ગીલનો સમાવેશ થવાની શકયતા

ક્રાઈસ્ટ ચર્ચ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ટીમ ઇન્ડિયા સીરિઝમાં ૦-૧થી પાછળ છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં છેલ્લા ૫૦ વર્ષમાં માત્ર બે ટેસ્ટ જીતી છે. છેલ્લે માર્ચ ૨૦૦૯માં ભારતે ન્યૂઝીલેન્ડને દસ વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં સચિન તેંડુલકરે ૧૬૦ રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારત અન્ય એક મેચમાં જાન્યુઆરી ૧૯૭૬માં ઓકલેન્ડ ખાતે આઠ વિકેટે જીત્યુ હતું.

વેલિંગ્ટન ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર ઇશાંત શર્મા પાસે ૩૦૦ ના કલબમાં સામેલ થવાની તક છે તે આ સિદ્ઘિથી માત્ર ત્રણ શિકાર દૂર છે તે ત્રણ વિકેટ ઝડપને આ માઇલસ્ટોન અચિવ કરનાર છઠો ભારતીય બનશે. ભારત માટે અનિલ કુંબલેએ સૌથી વધુ ૬૧૯ વિકેટ લીધી છે.

ભારત ન્યૂઝીલેન્ડમાં કુલ ૯ સીરિઝ રમ્યું છે. તેમાંથી ટીમ ઇન્ડિયાએ ૨ વાર સીરિઝ જીતી છે. ૧૯૬૭/૬૮માં મંસૂર અલી ખાન પટૌડીની કપ્તાનીમાં ૩-૧ અને૨૦૦૮/૦૯માં એમએસ ધોનીની કપ્તાનીમાં ૧-૦થી સીરિઝ પોતાના નામે કરી હતી.

આવતીકાલે શનિવારે ક્રાઇસ્ટચર્ચમાં તાપમાન ૧૮ થી ૨૧ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વાદળછાયુ વાતાવરણ હશે. વરસાદની સંભાવના છે. પિચથી બોલર્સને મદદ મળશે તેવી આશા છે. આવતીકાલે ભારતીય સમય મુજબ વ્હેલી સવારે ૪ વાગ્યાથી મેચ શરૂ થશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ૧૧: મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંકય રહાણે, હનુમા વિહારી, રિદ્ઘીમાન સાહા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ૧૧ : કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લેથમ, ટોમ બ્લેન્ડલ રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, નિલ વેગનર અને કાઈલી જેમિસન.

(3:32 pm IST)