Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સૈયદ મુસ્તાકઅલી ટી-20 ટૂર્નામેન્ટમાં ગુજરાતની જીત

નવી દિલ્હી: સૈયદ મુસ્તાકઅલી ટી-20 ટૂર્નામેન્ટમાં ગુજરાતે બિહારને 83 રને પરાજય આપ્યો હતો. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટ ગુમાવી 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં બિહારની ટીમ નિર્ધારિત 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી 116 રન બનાવી શકી હતી. ગુજરાતનો પાંચ મેચમાં ચોથો વિજય હતો અને ટીમ ગ્રૂપ બીમાં 16 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ગુજરાતની ટીમે કેપ્ટન પાર્થિવ પટેલની વિકેટ 33 રનના કુલ સ્કોરે ગુમાવી દીધી હતી. પ્રિયાંક પંચાલ અને ધ્રુવ રાવલે 70 રન જોડયા હતા. ધ્રુવ 36 રન બનાવી રનઆઉટ થયા બાદ પ્રિયાંક પંચાલ અને અક્ષર પટેલે સ્કોર 150 રનની પાર પહોંચાડયો હતો. પ્રિયાંક 78 રન બનાવી આઉટ થયા બાદ ચિરાગ ગાંધી પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થતાં ગુજરાતે 152 રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પીયૂષ ચાવલાએ ત્યારબાદ તોફાની બેટિંગ કરતાં 13 બોલમાં અણનમ 41 રન બનાવતાં ગુજરાતનો સ્કોર 199 રન થયો હતો. 200 રનના લક્ષ્યાંક સામે અરજન નાગવાસવાલાની વેધક બોલિંગ સામે બિહારનું ટોપ ઓર્ડર વેરવિખેર થઈ ગયું હતું અને માત્ર પાંચ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેશવકુમારે ત્યારબાદ ટીમને સંભાળી એક છેડો સાચવી રાખતાં અણનમ 61 રન બનાવતાં ટીમ 100 રનની પાર પહોંચી શકી હતી. બિહાર તરફથી આશુતોષ અમને 24 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી અરજન નાગવાસવાલાએ ચાર ઓવરમાં 15 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.અન્ય એક મેચમાં બરોડાએ પુડુચેરીને ચાર વિકેટ પરાજય આપ્યો હતો. પુડુચેરીએ પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટ ગુમાવી 126 રન બનાવ્યા હતા જેના જવાબમાં બરોડાએ કેપ્ટન કેદાર દેવધરના 51 રનની મદદથી વિકેટ ગુમાવી 19.4 ઓવરમાં વિજય મેળવી લીધો હતો. બરોડાનો પાંચ મેચમાં ત્રીજો વિજય હતો અને ટીમ ગ્રૂપ ઈમાં 12 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.

(5:03 pm IST)