Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ભારતીય મૂળનો યુવા લેગ સ્પિનર તન્વિર સાંઘા ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી ન્યુઝીલેન્ડ સામે રમશે

વર્ષ 2020માં થયેલી અંડર 19 વિશ્વ કપમાં પણ ઓસ્ટ્રેલીયાઇ ટીમનો તે હિસ્સો હતો

મુંબઈ : ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાઇ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કપ્તાન આરોન ફિંચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર જશે. 22 ફેબ્રુઆરી થી આ સિરીઝ શરુ થનારી છે. જે સિરીઝમાં એક ખેલાડી ભારતીય મુળનો પણ રમતો જોવા મળી શકશે. 19 વર્ષીય તન્વિર સાંઘા  નામનો ખેલાડી ભારતીય મુળનો છે, જે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદ પામ્યો છે. તન્વિર લેગ સ્પિનર બોલર છે, ભારતીય મુળનો તે ચોથો ખેલાડી છે જે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થયો છે. વર્ષના અંતમાં T20 વિશ્વ કપ પહેલા જ તેનુ ઓસ્ટ્રેલીયાની ટીમમાં આવવુ એ ખુબ જ મહત્વનુ પગલુ છે.

તન્વિર સાંઘાની અત્યાર સુધીની ક્રિકેટ સફર પણ ગજબ રહી છે. હાલમાં જ બિગ બેશ લીગ (BBL) માં તેણે સિડની થંડર માટે કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. સાંઘાએ પોતાની પ્રથમ સિઝનની 14 મેચોમાં 21 વિકેટો ઝડપી હતી. સાથે જ વર્ષ 2020માં થયેલી અંડર 19 વિશ્વ કપમાં પણ ઓસ્ટ્રેલીયાઇ ટીમનો તે હિસ્સો હતો. જેમાં પણ તેમે જબરદસ્ત બોલીંગ કરી હતી. જેના બાદ તે BBL માં પસંદ પામ્યો હતો. બોલને સ્પિન કરવાની તેની કળાએ અનેક ટીમોનુ ધ્યાન ખેંચ્યુ હતુ. ઓસ્ટ્રેલીયાના લેગ સ્પિનર ફવાદ અહમદ પણ તેના થી ખુબ પ્રભાવિત થયો હતો. તન્વિર સાંધા પહેલા ઝડપી બોલર હતો. પરંતુ બાદમાં તેને ખ્યાલ આવ્યો કે તે બોલને સારી રીતે સ્પિન કરાવી શકે છે. એ કારણે તે લેગ સ્પિનર બન્યો હતો.

તન્વિર સાંઘાના પિતા જોગા સાંધા પંજાબના જલંધરના રહેવા વાળા છે. તે 1997માં અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલીયા પહોંચ્યા હતા. પછી તે સિડનીમાં જ વસી ગયા હતા. જ્યાં તે એક ખેતરમાં કામ કરતા હતા. જોગા સાંધા એ ઓસ્ટ્રેલીયામાં જ લગ્ન કરી લીધા હતા. તેમણે ધ ટ્રિબ્યુનને બતાવ્યુ હતુ કે, તેમના પરિવારમાં કોઇને પણ ક્રિકેટ નો શોખ નહોતો. કબડ્ડી અને વોલીબોલ જ પરિવારમાં પસંદ કરવામાં આવતુ હતુ. પરંતુ તન્વિરને ક્રિકેટને અપનાવતા હવે ઘરમાં એક ક્રિકેટર છે.

તન્વિર સાંઘા સિડની ક્રિકેટ ક્લબના માટે રમતા ચર્ચામાં આવ્યો હતો. અહીંથી જ તે ઓસ્ટ્રેલીયાઇ અંડર 19 ક્રિકેટ ટીમનો હિસ્સો બન્યો હતો. વર્ષ 2020માં રમાયેલા અંડર 19 વિશ્વકપમાં તેણે 15 વિકેટ ઝડપી હતી. બે વાર તો એણે ચાર-ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે એક વાર પાંચ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલીયાની ટીમમાં આમ પણ અત્યારે સ્પિન વિભાગ નબળો છે. એવામાં હવે તન્વિર પાસે સારો મોકો મળ્યો છે.

ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ 22 ફેબ્રુઆરીએ ક્રાઇસ્ટચર્ચમાં રમાનાર છે. ત્યાર બાદ ડનેડિન, ઓકલેન્ડ, વેલિંગ્ટન અને માઉન્ટ મોન્ગનુઇ માં મેચ રમાશે.

(11:48 am IST)