Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ICC ટેસ્ટ ટીમ ઓફ ડિકેડના કેપ્ટન પદે વિરાટ કોહલીની નિમણૂંક

સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ સામેલ :વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન ઉપરાંત એલિસ્ટરકૂક, કેન વિલિયમ્સન, સ્ટિવ સ્મિથ, બેન સ્ટોક્સ અને કુમાર સંગાકરા જેવા દિગ્ગજ બેટ્સમેનો સામેલ

નવી દિલ્હી,તા.૨૭ : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા રવિવારે આઈસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ ડિકેડ (આઈસીસીની દાયકાની ટેસ્ટ ટીમ)ની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કોહલી ઉપરાંત આ ટીમમાં ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ સ્થાન મળ્યું છે. આ ટીમમાં ઈંગ્લેન્ડના ચાર, ભારત અને ઓસ્ટ્રેલિયાના બે-બે તથા શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડના એક-એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમ ઓફ ડિકેડમાં કોહલી અને અશ્વિન ઉપરાંત એલિસ્ટર કૂક, કેન વિલિયમ્સન, સ્ટિવ સ્મિથ, બેન સ્ટોક્સ અને કુમાર સંગાકરા જેવા દિગ્ગજ બેટ્સમેનો સામેલ છે. જ્યારે બોલર્સમાં ડેલ સ્ટેઈન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે.

     આઈસીસીની ટેસ્ટ ટીમ ઓફ ડિકેડઃ એલિસ્ટર કૂક (ઈંગ્લેન્ડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ), વિરાટ કોહલી (કેપ્ટન, ભારત), સ્ટિવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા), કુમાર સંગાકરા (શ્રીલંકા), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), રવિચંદ્રન અશ્વિન (ભારત), ડેલ સ્ટેઈન (સાઉથ આફ્રિકા), સ્ટુઅર્ટ બ્રોડ (ઈંગ્લેન્ડ), જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ). ૨૦૧૯મા વિરાટ કોહલી તેના પૂરોગામી મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ રાખીને ભારતનો સૌથી સફળ ટેસ્ટ સુકાની બની ગયો હતો. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ જીત્યા બાદ કોહલીએ કેપ્ટન તરીકે ૨૮ ટેસ્ટ મેચ જીતી હતી અને તે ભારતનો સૌથી વધુ ટેસ્ટ જીતનારો સુકાની બની ગયો છે.

     મેન્સની સાથે સાથે આઈસીસી એ વિમેન્સ વન-ડે અને ટી૨૦ ટીમ ઓફ ડિકેડ પણ જાહેર કરી છે. જેમાં વન-ડેમાં ભારતની બે ખેલાડી મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનો સમાવેશ થયો છે જ્યારે ટી૨૦માં હરમનપ્રીત કૌર અને પૂનમ યાદવ સામેલ છે. આઈસીસી વિમેન્સ વન-ડે ટીમ ઓફ ધ ડિકેડઃ એલીસા હિલી, સુઝી બેટ્સ, મિતાલી રાજ, મેગ લેનિંગ (કેપ્ટન), સ્ટેફની ટેલર, સારાહ ટેલર, એલિસે પેરી, ડેન વાન નિએકેર્ક, મારિઝાન્ને કેપ, ઝુલન ગોસ્વામી અને એનિશા મોહમ્મદ. આઈસીસી વિમેન્સ ટી૨૦ ટીમ ઓફ ધ ડિકેડઃ એલીસા હિલી, સોફિ ડિવાઈન, સુઝી બેટ્સ, મેગ લેનિંગ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, સ્ટેફની ટેલર, ડેઆન્દ્રા ડોટ્ટિન, એલીસે પેરી, આન્યા શ્રુબસોલે, મેગન શ્ચટ, પૂનમ યાદવ.

(8:06 pm IST)