Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ધોનીની નિવૃત્તિની ચર્ચા બંધ કરો : આઇપીએલ સુધી રાહ જુઓ : રવિ શાસ્ત્રી

આઇપીએલના દેખાવના આધારે નક્કી કરીશું કે તેને ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવો કે નહી.

મુંબઈ : આઇસીસી વન ડે વર્લ્ડ કપ બાદ ક્રિકેટના મેદાનથી દૂર રહેલા લેજન્ડરી વિકેટકિપર-બેટસમેન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય અંગે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાનો દૌર ચાલતો રહ્યો છે. જોકે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ધોનીના ભવિષ્ય અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટના વિચારો સ્પષ્ટ કર્યા હતા. શાસ્ત્રીએ કહ્યું કે, હાલના તબક્કે તો ધોનીની નિવૃત્તિની ચર્ચા બંધ કરી દેવી જોઈએ અને આઇપીએલની રાહ જોવી જોઈએ. શાસ્ત્રીએ આ સાથે સ્પષ્ટ કરી દીધું છે કે, ધોનીના આઇપીએલના દેખાવના આધારે અમે નક્કી કરીશું કે તેને ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવો કે નહી

 . ભારતીય ક્રિકેટ જગતમાં ધોનીની નિવૃત્તિની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલતી રહી છે. જોકે ટીમ ઈન્ડિયા તેને હજુ પણ અજમાવવા ઈચ્છી રહી હોવાનો સંકેત શાસ્ત્રીએ આપી દીધો છે.

   શાસ્ત્રીએ કહ્યું કે, ટીમમાં કોણ હશે કે કોણ નહી હોય તેનો ઓવરઓલ અંદાજ તો આઇપીએલ પુરી થશે, ત્યાં સુધીમાં આવી જશે. કોઈ ખેલાડીને ઈજા થાય તો અલગ બાબત છે, પણ વર્લ્ડ કપ ટી-૨૦ના ૧૫ ખેલાડી લગભગ નિશ્ચિત થઈ જ જશે. હાલના તબક્કે હું કોઈનું નામ લઈને કે કોઈના અંગે ચર્ચા કરીને મુદ્દો બનાવવા માગતો નથી. આઇપીએલ પુરી થાય ત્યાં સુધી રાહ જુઓ. બધાને ખબર પડી જશે કે ટી-૨૦માં દેશના ટોચના ૧૭ ખેલાડીઓ કોણ છે.

(1:27 pm IST)