Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની સેમિફાઇનલમાં ભારત-જાપાન

નવી દિલ્હી: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આવતીકાલે ભારત અને જાપાન વચ્ચે સેમિ ફાઈનલ મુકાબલો ખેલાશે. ભારત ગૂ્રપ સ્ટેજમાં જાપાનને ૯-૦થી હરાવી ચૂક્યું હોવાથી આવતીકાલની સેમિ ફાઈનલ જીતવા માટે હોટફેવરિટ મનાય છે. ટુર્નામેન્ટની બીજી સેમિ ફાઈનલમાં મલેશિયાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. ભારત અને જાપાન વચ્ચેનો મુકાબલો ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૦.૪૦ વાગ્યાથી શરૃ થશે. ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં નિરાશાજનક દેખાવ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે પછી હોકી ટીમ પર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ બચાવવાનું દબાણ છે. ભારતે ગૂ્રપ સ્ટેજની પાંચમાંથી ચાર મેચ જીતી લીધી હતી.જ્યારે ભારતને મલેશિયા સામેની એકમાત્ર મેચ ડ્રો કરવી પડી હતી. નોંધપાત્ર છે કે, મલેશિયાએ જ ભારતને એશિયન ગેમ્સની સેમિ ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટના સડન ડેથમાં હરાવ્યું હતુ. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે શાનદાર દેખાવ કરતા કુલ મળીને ૨૭ ગોલ ફટકાર્યા છે. જ્યારે ભારત સામે હરિફ ટીમો માત્ર બે ગોલ નોંધાવી શકી છે. જેમાંનો એક ગોલ પાકિસ્તાને અને બીજો ગોલ સાઉથ કોરિયાએ નોંધાવ્યો હતો. ભારત અને મલેશિયા વચ્ચેની મેચ ૦-૦થી ડ્રો રહી હતી. જોકે ભારતીય ખેલાડીઓએ ગોલ ફટકારવાની કેટલીક શાનદાર તકો ગુમાવી દીધી હતી. વર્ષ ૨૦૧૧થી શરૃ થયેલી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ચારમાંથી બે વખત ભારત ચેમ્પિયન બન્યું છે. જ્યારે બે વખત પાકિસ્તાનની ટીમ વિજેતા બની છે. 

(5:10 pm IST)