Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

એશિયન ગેમ્સ : નવમાં દિને નિરજે નવો ઇતિહાસ સર્જ્યો

નિરજે જેવલિન થ્રોમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યોઃ નવમાં દિવસે ભારતે પાંચ ચંદ્રકો જીત્યા : ભવ્ય દેખાવ

જાકાર્તા,તા.૨૭: એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ નવમાં દિવસે પણ જારી રહ્યો હતો. આજે એથ્લિટ નિરજ ચોપડાએ ઇતિહાસ રચીને જેવલિંગ થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ૨૦ વર્ષના નિરજે જોરદાર દેખાવ કરીને ભારતીય ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. આ સ્પર્ધામાં એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ભારતને ગોલ્ડ મળ્યો છે. ૧૯૮૨માં ગુરતેજસિંહે જ્વેલિંગમાં બ્રોન્ઝ જીત્યો હતો. હરિયાણાના પાનીપતમાં જન્મેલા ચોપડા એશિયનની ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમના ધ્વજવાહક તરીકે રહ્યો હતો. નિરજે ત્રીજા પ્રયાસમાં ૮૮.૦૬ મીટર જ્વેલિંન ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. આજે ભારતે કુલ પાંચ મેડલ જીત્યા હતા. મોદીએ નિરજ ચોપડાને શુભેચ્છા પાઠવી છે. અગાઉ આજે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર સાયનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો તો. ત્યારબાદ એથ્લિટ ધારુન અય્યાસામી, સુધા સિંહ અને નિના વર્કીલે સિલ્વર જીત્યા હતા. આ ત્રણેયે ક્રમશઃ ૪૦૦ મીટર વિઘ્ન દોડ, ૩૦૦૦ મીટર સ્ટીફલ ચેસ અને લોંગ જમ્પમાં સિલ્વર જીત્યા હતા. આ પહેલા પીવી સિંધુએ ૧૮મા એશિયન ગેમ્સમાં સોમવારે બેડમિંટનની સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને ૨૧-૧૭, ૧૫-૨૧, ૨૧-૧૦થી હરાવી દીધી. સિંધુ એશિયાડમાં બેડમિંટનના ૫૬ વર્ષના ઈતિહાસમાં ફાઇનલ મુકાબલામાં સ્થાન મેળવાનારી પહેલી ભારતીય બની. ફાઇનલમાં સિંધુનો મુકાબલો ચીની ટાઇપેની તાઈ જૂ યુંગ સાથે થશે. યુંગે સેમીફાઇનલમાં ભારતની સાઇના નેહવાલને ૨૧-૧૭, ૨૧-૧૪થી હરાવી. જોકે, સાઇના હારવા છતાં બેડમિંટનના મહિલા સિંગલ્સમાં મેડલ જીતનારી પહેલી ભારતીય બની ગઈ. બેડમિંટનમાં સેમીફાઇનલ હારનારા પ્લેયરને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. સિંધુ અને યામાગુચીનો મુકાબલો એક કલાકને છ મિનિટ સુધી ચાલ્યો. સિંધુએ પહેલો સેટ ૨૨ મિનિટમાં પોતાના નામે લીધો. જોકે, બીજા સેટમાં જાપાની પ્લેયરે ખૂબ જ સારી રમતનું પ્રદર્શન કર્યું. તેણે ૮-૧૦થી સિંધુની પાછળ રહ્યા બાદ ૧૬-૧૨થી આગળ થઈ ગઈ. તેના કારણે સિંધુ પર દબાણ વધ્યું. યામાગુચીએ તેનો ફાયદો ઉઠાવ્યો અને ૨૨ મિનિટ ચાલેલા બીજા સેટને ૨૧-૧૫થી પોતાના નામે કરી દીધો.

ત્રીજો સેટ રોમાંચક રહ્યો. જેમાં યામાગુચી એક સમયે સિંધુ વિરુદ્ધ ૭-૩થી આગળ હતી. પરંતુ ભારતીય શટલરે સતત પોઇન્ટ મેળવ્યા અને ૧૬-૧૦નો સ્કોર પોતાના પક્ષમાં કરી દીધી. સિંધુએ ૨૧-૧૫થી સેટ જીતવાની સાથે જ સેમીફાઇનલ મેચ પણ જીતી લીધી. અગાઉ એશિયન ગેમ્સ ૨૦૧૮માં ગઇકાલે આઠમાં દિવસે હજુ સુધી ભારતને પાંચ સિલ્વર મેડલ મળી ચુક્યા છે. શાનદાર દેખાવનો દોર જારી રહ્યો છે. આ પાંચ સિલ્વર મેડલ પૈકી ત્રણ એથ્લેટિક્સમાં મળ્યા છે જે પૈકી હિમાદાસ ૪૦૦ મીટર, મોહમ્મદ અનસ ૪૦૦ મીટર પુરુષ અને દુતી ચંદ ૧૦૦ મીટરમાં સિલ્વર મેડલ જીતી ગયા છે. બે સિલ્વર ઘોડેસવારીમાં મળ્યા છે. આજે પ્રથમ સિલ્વર મેડલ ફવાદ મિર્ઝાએ સિંગલ્સમાં જીત્યો હતો.

(10:02 pm IST)