Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સિરીઝ ગુમાવ્યા બાદ પણ શ્રીલંકા ભીંસમાં : ભાનુકા રાજપક્ષે ઇજાના કારણે શ્રેણીમાંથી બહાર : અન્ય બે બેટ્સમેનને રમવા અંગે આશંકા

મુંબઈ :  ભારત  સામેની વન ડે સિરીઝ ગુમાવ્યા બાદ T20 શ્રેણીની પ્રથમ મેચમાં હારી ગયેલી શ્રીલંકાની ટીમ પર મુશ્કેલી વધી રહી છે. પહેલાથી જ શ્રીલંકાની ટીમ ઘણી નબળી દેખાઈ રહી છે. હવે ટીમના ખેલાડીઓની ઈજાએ તેની હાલત વધુ વિકટ બનાવી દીધી છે. માહિતી અનુસાર શ્રીલંકાના એક બેટ્સમેનને ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે. જ્યારે અન્ય બે બેટ્સમેનોને બીજી T20માં રમવા અંગે આશંકા છે.

શ્રીલંકાના મીડિયા અહેવાલ મુજબ ટોપ ઓર્ડર બેટ્સમેન ભાનુકા રાજપક્ષે ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે પ્રથમ T20માં ડેબ્યૂ કરનાર ચરિથ અસલંકા ઈજાગ્રસ્ત છે, તેનુ બીજી T20 મેચમાં રમવુ મુશ્કેલ છે. આ સિવાય પથુમ નિસંકા પણ ઈજાગ્રસ્ત છે.

ભારત સામે વનડે સિરીઝમાં ડેબ્યુ કરનાર અને કેટલીક શાનદાર ઈનિંગ્સ રમનાર ભાનુકા રાજપક્ષે ઈજા પામ્યો છે. તેને આંગળીની ઈજાને કારણે આખી T20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તે 25 જુલાઈએ રમાયેલી શ્રેણીની પહેલી મેચમાં રમી શક્યો ન હતો.

શ્રીલંકાના મીડિયા રિપોર્ટ મુજબ આક્રમક મધ્યમક્રમના બેટ્સમેન ચરીથ અસલંકાને હેમસ્ટ્રિંગની ઈજા થઈ છે. જેના કારણે તે બીજી T20 મેચમાં રમવાને લઈ આશંકા છે. આ દરમ્યાન ટોચના ઓર્ડરનો યુવા બેટ્સમેન પથુમ નિસંકાને પણ નેટ સેશન દરમ્યાન હાથની ઈજા થઈ હતી અને તેનું રમવુ પણ મુશ્કેલ લાગી રહ્યું છે.

(8:51 pm IST)