Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

દેશને વર્લ્ડકપ અને એશિયા કપ જીતાડનાર અંધજન ખેલાડીઓ મજુરી કરવા બન્યા મજબુર

રાજય સરકારે નોકરી આપવા વચન આપેલુ પણ તે હજુ પુરૂ કર્યું નથી : સરકાર પોતાના જ પક્ષના ધારાસભ્યોની વાત સાંભળતી નથી તો અમારા (કોંગ્રેસ) ધારાસભ્યોની વાત કયાંથી સાંભળે ? અર્જુનભાઇ મોઢવાડીયાના આક્ષેપો

અમદાવાદઃ ભાજપની સરકાર જે તે સમયે મોટામોટા વાયદાઓ તો જરૂર કરે છે પરંતુ તેને પૂર્ણ કરવામાં આંખ આડા કાન કરે છે. આજથી ચારેક વર્ષ અગાઉ ભારતને અંધજનો માટેનો વર્લ્ડકપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ત્રણ રમતવીરોને નોકરી આપવા સરકારે આપેલું વચન ભૂલાવી દેવાતા આજે દેશના ગૌરવસમાન આ ખેલાડીઓ મજૂરી કામ કરવા મજબૂર બન્યા છે.

ભારતને અંધજનો માટેના ODI વર્લ્ડકપ, T-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મૉંડકર આજે  મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરવા મજબુર છે. આ અંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકરે વર્ષ-૨૦૧૮માં  ભારતને અંધજનો માટેનો વર્લ્ડકપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત આ ખેલાડીઓ અલગ-અલગ સ્પર્ઘાઓમાં પોતાનું શાનદાર યોગદાન આપી દેશનું ગૌરવ વધારી ચૂક્યા છે. આ માટે તેમણે કઠીર પરિશ્રમ કર્યો હતો. તેમને આશા હતી કે વર્લ્ડકપ જીત્યા બાદ રાજય સરકાર તેમને નોકરી આપશે. સરકારે ત્યારે તેમની સાથે ફોટા પડાવી સિદ્ધિને બિરદાવવાની સાથે નોકરીની ખાતરી પણ આપી હતી. પરંતુ આજે ચાર વર્ષ થઈ ગયા, ના આ ખેલાડીઓને નોકરી મળી છે, ના સરકારે આટલા સમયમાં તેમની તકલીફો જાણવાની પણ તસ્દી લીધી છે. એટલે આંખમાં આશુ અને નિરાશા સાથે તેઓ મજૂરીકામ કરવા મજબૂર બન્યા છે.

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ પાર્ટીના વાંસદા (નવસારી)ના ધારાસભ્ય અનંત પટેલએ આ ત્રણેય ખેલાડીઓને નોકરી અને આર્થિક સહાય આપવા માટે વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી. પરંતુ નઘરોળ ભાજપ સરકાર પોતાના જ ધારાસભ્યોની જનતા લક્ષી રજૂઆત સાંભાળતી નથી, તો પછી અમારા ધારાસભ્યોની રજૂઆત ક્યાંથી સાંભળે ? જો કે કોંગ્રેસ પાર્ટી આ ખેલાડીઓને ન્યાય મળે તે માટેના પ્રયાસો ચાલુ રાખશે. ભાજપ સરકારે ગુજરાતના ગૌરવ સમાન ખેલાડીઓને સમ્માન અને સહાય આપવી જ પડશે ! 

(3:41 pm IST)