Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પાકિસ્તાને મનુક ઓવલ મેદાન ઉપર રમાયેલી આઇસીસી મહિલા ટી૨૦ વિશ્વકપની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને ૮ વિકેટે હરાવ્યુ

કેનબરાઃ પાકિસ્તાને બુધવારે મનુકા ઓવલ મેદાન પર રમાયેલી આઈસીસી મહિલા ટી-20 વિશ્વકપની ગ્રુપ-બીની પોતાની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે પરાજય આપ્યો હતો. કેપ્ટન બિસ્માહ મારૂફ (અણનમ 38) અને જવેરિયા ખાન (35)ની શાનદાર ઈનિંગની મદદથી પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં આ પ્રથમ જીત છે. પાકિસ્તાન ગ્રુપ-બીમાં બે પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝની બે મેચોમાં આ પ્રથમ હાર છે અને ટીમ બે પોઈન્ટની સાથે ચોથા સ્થાને છે.

પૂર્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 124 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 10 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો.

પાકિસ્તાન તરફથી મારૂફે 37 બોલ પર ચાર ચોગ્ગા અને જવેરિયાએ 28 બોલમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય મુનીબા અલીએ 25 અને નિદા ડારે અણનમ 18 રનનું યોગદાન આપ્યું હતું. જવેરિયાને તેની શાનદાર બેટિંગ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી એફી ફ્લેચર અને કેપ્ટન સ્ટેફની ટેલરને એક-એક વિકેટ મળી હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સાત વિકેટ પર 124 રન બનાવી શકી હતી. ટીમની કેપ્ટન ટેલર અને શેમાની કેમ્પબેલે 43-43 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લી એન કિબીએ 16 રન બનાવ્યા હતા. પાકિસ્તાન માટે એમન અનવર, નિદા ડાર અને ડાયનો બેગે બે-બે જ્યારે અનમ અમીને એક વિકેટ મેળવી હતી.

(4:34 pm IST)