Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-૨૦ માં સાઉથ આફ્રિકાને ૯૭ રનથી હરાવી સિરીઝ જીતી

ઓસ્ટ્રેલિયાના ૧૯૩ રનના જવાબમાં સાઉથ આફ્રિકા ૧૫.૩ ઓવરમાં માત્ર ૯૬ રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ

મુંબઈ : ડેવિડ વોર્નર-એરોન ફિન્ચની શાનદાર અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ઓસ્ટ્રેલિયાએ કેપટાઉનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન સાઉથ આફ્રિકાને ૯૭ રનથી હરાવી દીધું હતું. તેની સાથે ઓસ્ટ્રેલિયાએ ૨-૧ થી સીરીઝ પોતાના નામે કરી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના ૧૯૩ રનના જવાબમાં સાઉથ આફ્રિકા ૧૫.૩ ઓવરમાં માત્ર ૯૬ રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.

ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલીયન ટીમની શરૂઆત શાનદાર રહી અને ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે મળીને પ્રથમ વિકેટ માટે ૧૧.૩ ઓવર માટે ૧૨૦ રન જોડ્યા હતા. ડેવિડ વોર્નરે ૩૭ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૫૭ રન, જ્યારે એરોન ફિન્ચે ૩૭ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૫૫ રનની ઇનિંગ રમી હતી. અંતમાં સ્ટીવન સ્મિથે ૧૫ બોલમાં અણનમ ૩૦ રન બનાવ્યા, જેના કારણે ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૯૩ રન બનાવ્યા હતા.

સાઉથ આફ્રિકા માટે કાગિસો રબાડા, એનરીચ નોર્ટજે, લુંગી એનગીડી, ડ્વેન પ્રીટોરીયસ અને તબરેજ શમ્સીએ ૧-૧ વિકેટ પ્રાપ્ત કરી હતી.

સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી અને ટીમના કુલ ૬ રનના સ્કોર પર કેપ્ટન ક્વિન્ટન ડી કોક આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ નિયમિત અંતરાલ પર વિકેટ પડતી રહી હતી. રસ્સી વેન ડેર ડુસેને સૌથી વધુ ૨૪ રન બનાવ્યા હતા. યજમાન ટીમના ૭ બેટ્સમેન ડબલ આંકડા સુધી પહોંચી શક્યા નહોતા.

ઓસ્ટ્રેલીયા માટે મિચેલ સ્ટાર્ક, એશ્ટન એગરે ૩-૩ વિકેટ, એડમ જામ્પાએ ૨, જ્યારે પેટ કમિન્સ અને મિચેલ માર્શે ૧-૧ વિકેટ પ્રાપ્ત કરી હતી. મિચેલ સ્ટાર્કને શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચ, જ્યારે કેપ્ટન એરોન ફિન્ચને ત્રણ મેચમાં ૧૧૧ રન બનાવવા માટે મેન ઓફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

(12:54 pm IST)