Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

સૌરવ ગાંગુલી છાતીમાં દુઃખાવો થતાં ફરીથી હોસ્પિટલમાં દાખલ

થોડા દિવસ પહેલાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી : બીસીસીઆઈના અધ્યક્ષ ગાંગુલીની ધમનીઓમાં અડચણ માટે ટેસ્ટ કરાવવાના હોવાની ડોક્ટરે માહિતી આપી

કોલકાતા, તા. ૨૭ : બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી એકવાર લથડી છે. થોડા દિવસો પહેલાં જ ગાંગુલીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેવામાં આજે પણ ગાંગુલીની છાતીમાં દુઃખાવો થતાં તેઓને તાબડતોડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. અગાઉ હાર્ટ એટેકને કારણે તેઓની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી. ૨ જાન્યુઆરીએ ગાંગુલીએ ઘરમાં વર્ક આઉટ કરતી વખતે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. આજે તેઓને ફરીથી દુઃખાવો થતાં કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની કોલકાતાના વુડલેન્ડ્સ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે ફરીથી તેઓની તબિયત બગડતાં વુડલેન્ડ હોસ્પિટલના ડોક્ટર રૂપાલી બાસુએ કહ્યું કે, દાદાની ધમનીઓમાં અડચણ માટે ટેસ્ટ કરાવવાના છે.

૨ જાન્યુઆરીએ છાતીમાં દુઃખાવો થતાં તેઓને વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમના પર એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ ૭ જાન્યુઆરીના રોજ તેઓને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી હતી. ૨ જાન્યુઆરીએ ઘરે જીમમાં કસરત કરતી વખતે તેઓને છાતીમાં દુઃખાવો થયો હતો. જે બાદ એન્જિયોપ્લાસ્ટી કરીને તેમના હૃદયમાં સ્ટેન્ટ નાખવામાં આવ્યો હતો. ગાંગુલીની ધમનીમાં એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. પણ તે સમયે ગાંગુલીના હૃદયની નસોમાં બીજા બે બ્લોકેજ પણ હતા. ડોક્ટરોએ તેમને નિયમિત રીતે ચેકઅપ કરાવવાની સલાહ પણ આપી હતી.

(7:45 pm IST)