Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

રાહુલ - શ્રેયસની વધુ એક ધારદાર ઈનિંગ

ન્યુઝીલેન્ડ ૧૩૨/૫, ભારત ૧૩૫/૩ : સિરીઝમાં ૨-૦ની લીડ : જાડેજાને ૨, બુમરાહ - દુબે - ઠાકુરને ૧-૧ વિકેટ : ત્રીજો મેચ બુધવારે રમાશે

ઓકલેન્ડ : ભારતે ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડ ખાતેની બીજીટી-૨૦માં ૭ વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ ૫ મેચની સીરિઝમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. તેમજ પહેલીવાર ન્યૂઝીલેન્ડ સામે સતત બે ટી-૨૦માં જીત મેળવી છે. ૧૩૩ રનનો પીછો કરતા ભારતે ૧૭.૩ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. લોકેશ રાહુલે કરિયરની ૧૧જ્રાક અને સીરિઝમાં સતત બીજી ફિફટી મારી. તે ૫૭ રને અણનમ રહ્યો. તેણે શ્રેયસ ઐયર (૪૪ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી કરી. કિવિઝ માટે ટિમ સાઉથીએ ૨ વિકેટ અને ઈશ સોઢીએ ૧ વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે હવે ૨૬ જાન્યુઆરીએ રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડને ૭ વિકેટે માત આપી ક્રિકેટપ્રેમીઓને ખુશખુશાલ કરી દીધા હતા.

ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી ટી-૨૦માં ઓકલેન્ડ ખાતે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૩૨ રન કર્યા હતા. માર્ટિન ગુપ્ટિલે અને ટિમ સેઈફર્ટે ૩૩ રન અને કોલિન મુનરોએ ૨૬ રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ૨ વિકેટ, જયારે જસપ્રીત બુમરાહ, શિવ દુબે અને શાર્દુલ ઠાકુરે ૧-૧ વિકેટ લીધી હતી.

કેન વિલિયમ્સન સ્કવેર લેગમાં જાડેજાની બોલિંગમાં ચહલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે ૨૦ બોલમાં ૧૪ રન કર્યા હતા. કોલિન મુનરો ૨૬ રને દુબેની બોલિંગમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા માર્ટિન ગુપ્ટિલ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મીડ-ઓફ પર કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો. ગુપ્ટિલે ૨૦ બોલમાં ૪ ફોર અને ૨ સિકસની મદદથી ૩૩ રન કર્યા હતા.

વળતા જવાબમાં રોહિત ૮ અને વિરાટ ૧૧ રને આઉટ થઈ ગયો હતો. બાદમાં રાહુલ અને શ્રેયસે બાજી સંભાળી લીધી હતી. રાહુલ ૩ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૫૦ બોલમાં ૫૭ રને નોટઆઉટ રહ્યો હતો. જયારે ઐયર ૧ ચોગ્ગો અને ૩ છગ્ગા સાથે ૪૪ રન બનાવી આઉટ થયો હતો. શિવમ દુબેએ જીતનો છગ્ગો ફટકાર્યો હતો. આમ, પાંચ ટી-૨૦ મેચોની સીરીઝમાં ભારતે ૨-૦થી લીડ મેળવી લીધી હતી. હવે ૨૯મીના બુધવારે ભારતીય સમય મુજબ બપોરે ૧૨:૩૦ થી ત્રીજો મુકાબલો રમાશે.

(11:34 am IST)