Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અંતિમ ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકાને ૬૩ રને પછાડ્યું

ભારતીય બોલરોનું ભવ્ય પ્રદર્શન : સામીની ૫ વિકેટઃ ભારતીય બોલરોની રણનીતિ સામે દક્ષિણ આફ્રિકા ૧૭૭ રનમાં સમેટાયુ : અંતિમ મેચમાં ભારતનું પલ્લુ ભારે રહ્યું

જોહાનિસબર્ગ,તા.૨૭, સાઉથઆફ્રિકાની સામે વાન્ડેર્સમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન આજે ભારતે તેના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે દક્ષિણ આફ્રિકાને જોરદાર પછડાટ આપી હતી અને દક્ષિણ આફ્રિકાને ૧૭૭ રનમાં ઓલઆઉટ કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આમ ભલે દક્ષિણ આફ્રિકા ૨-૧થી સીરીઝ જીતવામાં સફળ થયું હોય પરંતુ ભારતે અંતિમ ટેસ્ટ મેચ જીતીને છેલ્લી મેચમાં તેનું પલ્લુ ભારે રાખ્યું હતું. અંતિમ ટેસ્ટ મેચમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સામીએ તેનું કૌવત બતાવીને પાંચ વિકેટો ઝડપી લઇ દક્ષિણ આફ્રિકાની કમર તોડી નાંખી હતી. તો સામીને અન્ય ફાસ્ટ બોલરો બુમરાહ અને ઇશાંત શર્માએ પણ બે-બે વિકેટ ઝડપીને સાથ આપ્યો હતો. ભારતીય બોલરોના શ્રેષ્ઠ દેખાવને પગલે દક્ષિણ આફ્રિકા ૧૭૭ રનમાં જ સમેટાઈ ગયું હતું અને ભારતે ૬૩ રનથી અણધારી જીત હાસલ કરી લીધી હતી. દક્ષિણ આફ્રિકાના છ ખેલાડીઓ તો ડબલ આંકડા પર પણ પહોંચી શક્યા ન હતા. દરમિયાન અગાઉ પીચના કારણે મેચ રોકવામાં આવતાં ક્રિકેટચાહકો નિરાશ થયા હતા. સાઉથઆફ્રિકાની ટીમ બીજી ઇનીંગમાં ૨૪૧ રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે મેદાનમાં ઉતરી હતી. પહેલી વિકેટ માર્કરામની ઝડપાઇ હતી, જયારે ભારતના ફાસ્ટબોલર જસપ્રીત બુમરાહના બાઉન્સર બોલથી સાઉથ આફ્રિકાના ઓપનર ડિન એલ્ગર હેરાન થઇ ગયો હતો. બુમરાહનો એક બાઉન્સર બોલ તેના માથે વાગતાં અમ્પાયરો દ્વારા દરમ્યાનગીરી કરીને મેચ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેચનાર રેફરીએ બંને ટીમના કેપ્ટનો સાથે વાત કરી હતી. જો કે, અમ્પાયરો અને રેફરી સાથેની વાટાઘાટો અને પુખ્ત વિચારણાના અંતે મેચની અધુરી રમત પાછળથી શરૂ થઇ શકી હતી.

(9:47 pm IST)