Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઓસ્ટ્રેલીયન ખેલાડીઓએ બોકસીંગ -ડે મેચ પહેલા પૂર્વ ક્રિકેટર ડીન જોન્સને શ્રધ્ધાંજલી અર્પીઃ પરીવારજનો હાજર રહયા

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 'બોક્સિંગ ડે' ટેસ્ટ શરૂ થતાં પહેલા પૂર્વ ક્રિકેટર ડીન જોન્સને તેમના ઘરેલૂ મેદાન એમસીજી પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે જોન્સના પત્ની, પુત્રીઓ અને ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર એલન બોર્ડર પણ હાજર રહ્યા હતા. જોન્સના પરિવાર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન બોર્ડરે બીજી ટેસ્ટ મેચ દરમિયાન ટી બ્રેક પર વિદાયમાં પણ ભાગ લીધો હતો. 

બોર્ડર, જોન્સના પત્ની જેન અને પુત્રીઓ ઓગસ્ટા અને ફોબેએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડી બાઉન્ડ્રીથી લાંબી વોક કરી. તેમના હાથમાં જોન્સની બૈગી ગ્રીન કેપ, સનગ્લાસ અને કૂકાબૂરાનું બેટ હતું. તેમણે મેદાનના ગ્રેટ સદર્ન સ્ટેન્ડ છેડા પર તેમના આ વારસાને રાખ્યો. બાદમાં બંન્ને ટીમોના 12માં ખેલાડી કેએલ રાહુલ (ભારત) અને જેમ્સ પેટિન્સન (ઓસ્ટ્રેલિયા)એ આ વસ્તુને બાઉન્ડ્રીની નજીક એક સીટ પર રાખી હતી. 

મેદાન પર હાજર 30000 દર્શકોએ તાળીઓ સાથે તેમનું અભિવાદન કર્યુ. જોન્સનું આ વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન થયુ હતું. તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોમેન્ટ્રી કરવા અહીં આવ્યા હતા. 

જોન્સના જીવનની છેલ્લી કલાકોમાં તેમની સાથે રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ફોક્સ સ્પોર્ટસને કહ્યું, આપણે તેમને એકદમ સાચી શ્રદ્ધાંજલિ આપી. બધા તેમને ખુબ પ્રેમ કરે છે. 

(5:44 pm IST)