Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

રહાણે અને પૂજારાનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય

ભારતની પ્રથમ ઈનિંગ્સ સમેટાઈ ગઈ : રહાણેએ છેલ્લી ૨૦ ઈનિંગમાં માત્ર ૪૦૭ રન બનાવ્યા, ૩૯ ઈનિંગ રમ્યા પછી પણ પૂજારાની સદીનો દુકાળ

નવી દિલ્હી, તા.૨૬ : ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ પહેલી ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં ૩૪૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત માટે મિડલ ઓર્ડરમાં રહાણે અને પૂજારાનુ ફોર્મ ચિંતાનો વિષય બન્યુ છે.ન્યૂઝીલેન્ડ સામે પણ પહેલી ઈનિંગમાં આ બંને સિનિયર બેટસમેન ખાસ કમાલ બતાવી શક્યા નથી.

એક સમયે ભારતીય ટીમ માટે ધરખમ ગણાતા આ બે બેટસમેનનુ ફોર્મ બે વર્ષથી કથળી ગયુ છે.જેમ કે ન્યૂઝીલેન્ડ સામે પહેલી ઈનિંગમાં ૩૫ રન કરીને આઉટ થનારા રહાણેએ છેલ્લી ૨૦ ઈનિંગમાં માત્ર ૪૦૭ રન બનાવ્યા છે.જેમાં એક પણ સદી નથી.આ દરમિયાન તેનુ એવરેજ માંડ ૨૦ નુ રહ્યુ છે.

પૂજારા પણ પહેલી ઈનિંગમાં ૨૬ રન કરીને આઉટ થયો હતો.પૂજારાએ પણ ૨૦૧૯થી સદી ફટકારી નથી.૩૯ ઈનિંગ રમ્યા પછી પણ પૂજારાની સદીનુ દુકાળ ખતમ થયો નથી.આ દરમિયાન પૂજારાનુ એવરેજ પણ ૨૮.૭૮નુ રહ્યુ છે.

જોકે આ બંને બેટસમેનો પાસે કાનપુર ટેસ્ટમાં હજી એક ઈનિંગ બાકી છે.ઉપરાંત ૩ ડિસેમ્બરથી મુંબઈમાં બીજી ટેસ્ટ રમાવાની છે.આ સિરિઝનુ ફોર્મ બંને બેટસમેનો નુ આગામી સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં સ્થાન નક્કી કરશે.

ભારતે સાઉથ આફ્રિકાના પ્રવાસે ત્રણ ટેસ્ટ રમવાની છે.પહેલી ટેસ્ટ ૧૭ ડિસેમ્બરથી જોહાનિસબર્ગમાં રમાશે.

(7:26 pm IST)