Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

લાલા અમરનાથથી શ્રેયસ ઐયર સુધી : ૧૬ ભારતીય બેટરોએ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી : ૨૧મી સદીમાં ૬ ખેલાડીઓ સામેલ

કાનપુર, તા.૨૬: કાનપુરમાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના બેટ્સમેન શ્રેયસ ઐયરે ટેસ્ટમાં સદી ફટકારી હતી. શ્રેયસ ઐયર ટેસ્ટની ડેબ્યૂ મેચમાં સદી મારનારો ૧૬મો ભારતીય ખેલાડી બન્યો છે. ક્રિકેટમાં કરિઅરની શરૂઆત કરતા તમામ ખેલાડીનું ટેસ્ટ ક્રિકેટ મેચ રમવાની ઈચ્છા ધરાવતા હોય છે.

કુલ ૧૬ ભારતીય ક્રિકેટરો છે, જેમણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદીફટકારી છે. લાલા અમરનાથનું નામ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. વર્ષ ૧૯૩૩ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તેમણે સદી ફટકારી હતી. સૌરવ ગાંગુલીએ વર્ષ ૧૯૯૬માં લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. અહીંયા એવા ક્રિકેટરોની જાણકારી આપવામાં આવી છે, જેમણે ૨૧મી સદીમાં ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયરે આજે કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. શ્રેસ ઐયરે ૧૭૧ બોલમાં ૧૦૫ રન બનાવ્યા હતા જેમાં તેણે ૧૩ ચોગ્ગા અને ૨ સિકસર ફટકારી હતી. ઐયર ભારત માટેનો ૧૬મો ખેલાડી બન્યો છે જેણે ટેસ્ટમાં સદી ફટકારી છે. શ્રેયસ ઐયર પહેલાં પૃથ્વી શો યુવા ખેલાડી તરીકે આ કારનામું કરી ચુક્યો હતો.

પથ્વી શો

૨૧મી સદીમાં ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પૃથ્વી શૉ પાંચમા નંબરના ભારતીય ક્રિકેટર છે. વર્ષ ૨૦૧૮માં રાજકોટમાં વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ મેચથી તેણે ડેબ્યૂ કર્યું હતું. તેણે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ૯૯ બોલમાં સદી ફટકારી હતી. પૃથ્વી શૉ ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. તેણે આ ટેસ્ટ મેચમાં ૧૩૪ રન ફટકાર્યા હતા.

શિખર ધવન

પોતાના ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર શિખર ધવન ત્રીજા નંબરના ભારતીય ક્રિકેટર છે. વર્ષ ૨૦૧૩માં મોહાલીમાં રમવામાં આવેલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શિખર ધવને સદી ફટકારી હતી. શિખર ધવને પહેલી ઈનિંગમાં ૧૭૪ બોલ પર ૧૮૭ રન કરીને સદી ફટકારી હતી, જેમાં ૩૩ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવનને આ ટેસ્ટ મેચ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શિખર ધવને અત્યાર સુધીમાં ૩૪ ટેસ્ટ મેચ રમી છે.

રોહિત શર્મા

 ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર રોહિત શર્મા ચોથા નંબરના ભારતીય ક્રિકેટર છે. વર્ષ ૨૦૧૩માં કોલકત્તામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમવામાં આવેલ ટેસ્ટ મેચથી ડેબ્યુ કર્યું હતું. આ ટેસ્ટ મેચમાં તેમણે સદી ફટકારી હતી. રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને ૧૭૭ રન ફટકાર્યા હતા. ભારતના હિટમેને ૧૭૭ રન બનાવવા માટે ૨૩ ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ વર્ષ ૨૦૧૩થી લઈને વર્ષ ૨૦૧૭ સુધીમાં ૨૩ ટેસ્ટ મેચ રમી છે.

સુરેશ રૈના

ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર સુરેશ રૈના બીજા નંબરના ભારતીય ક્રિકેટર છે. વર્ષ ૨૦૧૦માં તેમણે શ્રીલંકા સામેની ટેસ્ટ મેચથી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં તેમણે સદી ફટકારી હતી. સુરેશ રૈનાએ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ૧૨ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકારીને ૧૨૦ રન કર્યા હતા.

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગે વર્ષ ૨૦૦૧માં બ્લૂમફોન્ટેન ખાતે રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચથી પોતાના ટેસ્ટ મેચ કરિઅરની શરૂઆત કરી હતી. તેમણે આ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. ૨૧ સદીમાં ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર સેહવાગ પ્રથમ ભારતીય ક્રિકેટર છે. વિરેન્દ્ર સેહવાગે આ મેચમાં છઠ્ઠા નંબરે બેટીંગ કરી હતી અને ૧૯ ચોગ્ગા મારીને ૧૦૫ રન ફટકાર્યા હતા. વિરેન્દ્ર સેહવાગે સચિન તેંડુલકર સાથે મળીને ૫મી વિકેટ માટે ૨૨૦ રન કર્યા હતા. ભારત આ મેચમાં જીતી શક્યું ન હતું, પરંતું ભારતીય ક્રિકેટ ટીમને એક ઉમદા ખેલાડી મળી ગયો હતો.

અન્ય ખેલાડી આ ઉપરાંત પહેલી ટેસ્ટમાં સદી કરનારા ખેલાડીઓમાં ૧૯૩૩માં ઈંગલેન્ડ સામે લાલા અમરનાથે ૧૧૮ રન બનાવ્યા હતા.દિપક સોડને ૧૯૫૨માં ઇડન ગાર્ડનમાં પાકિસ્તાન સામે ૧૧૦ રન બનાવ્યા હતા. એજી ક્રિપાલ સિંઘે ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદમાં ૧૦૦ બનાવ્યા હતા. અબ્બાસ અલી બૈગે ૧૯૫૯માં ઓકસફોર્ડ યુનિવર્સિટી સામે ૧૦૦ કર્યા હતા. આ ઉપરાંત ૧૯૬૪માં ઇન્ગલેન્ડ સામે હનુમંત સિંઘે ૧૦૫ બનાવ્યા હતા.

જ્યારે ગુંડપ્પા વિશ્વનાથે ૧૯૬૯માં ઓસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં ૧૩૭ કર્યા હતા. સુરિંદર અમરનાથે ૧૯૭૫માં ન્યૂઝીલેન્ડ સામે ૧૨૪ બનાવ્યા હતા. મોહમ્મદ અઝહરૂદ્દીન ઈડન ગાર્ડનમાં ૧૯૮૪માં ઇન્ગલેન્ડ સામે સદી મારી હતી. પ્રવિણ આમરેએ ૧૯૯૨-૯૩માં સાઉથ આફ્રિકા સામે સદી મારી હતી. ગાંગુલીએ ઈન્ગલેન્ડ સામે લોર્ડસમાં ૧૩૧ રન ફટકાર્યા હતા.

(2:41 pm IST)