Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ઓસ્‍ટ્રેલિયામાં ભારતીય ટેક્સી ડ્રાઇવરે પાકિસ્‍તાની ક્રિકેટરો પાસેથી ભાડુ લેવાની ના પાડી દીધીઃ બદલામાં ક્રિકેટરોએ હોટલમાં સાથે લઇ જઇને જમાડ્યા

બ્રિસ્બનઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રતિદ્વંદતા માત્ર ક્રિકેટ સ્ટેડિયમના અંદર જ નહીં પરંતુ બહાર પણ જોવા મળે છે. આ કારણે જ બંને ટીમના પ્રશંસકો પણ હંમેશાં એક-બીજા સાથે ઝઘડી પડતા હોય છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય ટેક્સી ડ્રાઈવરે પાકિસ્તાની ક્રિકેટરો પાસેથી ભાડા પેટે પૈસા લેવાની ના પાડી દીધી. ટેક્સી ડ્રાઈવરનો આ વ્યવહાર પાકિસ્તાની ક્રિકેટરોને ખુબ જ ગમ્યો અને તેમણે તેના બદલામાં ટેક્સી ડ્રાઈવરને હોટલમાં પોતાની સાથે લઈ જઈને જમવાનું ખવડાવ્યું હતું.

ભારતીય ટેક્સી ડ્રાઈવરની જે ટેક્સીમાં પાકિસ્તાની ક્રિકેટરોએ મુસાફરી કરી હતી, તેમાં ફાસ્ટ બોલર શાહીન અફરીદી, લેગ સ્પિનર યાસિર શાહ અને યુવાન ફાસ્ટ બોલર નસીમ શાહનો સમાવેશ થાય છે. એબીસી રેડિયો કોમેન્ટ્રેટર એલિસન મિશેલે ટેક્સી ડ્રાઈવર દ્વારા ભાડું ન લેવાની વાત ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોનસન સાથે કોમેન્ટ્રી દરમિયાન જણાવી હતી.

એલિશન મિશેલને આ સમગ્ર ઘટના અંગેની માહિતી એ ટેક્સી ડ્રાઈવર પાસેથી મળી હતી, જેણે કોમેન્ટ્રેટર એલિસનને ગાબા સ્ટેડિયમ ડ્રોપ કર્યા હતા. એ સમયે ગાબા સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. ટેક્સી ડ્રાઈવરે સ્ટેડિયમ જતા સમયે રસ્તામાં એલિસનને જણાવ્યું કે, તેણે પોતે જ રાત્રી ભોજન માટે પાકિસ્તાની ખેલાડીઓને હોટલથી ભારતીય રેસ્ટોરન્ટ પહોંચાડ્યા હતા.

ટેક્સી ડ્રાઈવરે આગળ કહ્યું કે, તેણે પાકિસ્તાની ખેલાડીઓ પાસેથી આ માટે ભાડું લીધું ન હતું. ભારતીય ડ્રાઈવરે કહ્યું કે, પાકિસ્તાની ક્રિકેટરોએ તેના બદલામાં તેમની સાથે રાત્રીભોજ લેવા માટે આમંત્રણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રવિવારે પાકિસ્તાનને એક ઈનિંગ્સ અને 5 રનથી હરાવીને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 1-0ની લીડ મેળવી લીધી છે.

(5:08 pm IST)