Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ઓસ્‍ટ્રેલીયામાં ટી-ર૦ માં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરનાર બોલરનો રેકોર્ડ કૃણાલ પંડ્યાના નામે

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં કૃણાલ પંડ્યાએ શાનદાર બોલિંગ કરી. તે સાથે જ તેણે એક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. પંડ્યા ઓસ્ટ્રેલિયામાં ટી20માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારો બોલર બની ગયો છે.

કૃણાલ પંડ્યાએ પોતાની ચાર ઓવરોમાં 36 રન આપી ચાર વિકેટ ઝડપી. આ તેનું અંગત રીતે બેસ્ટ પરફોર્મન્સ પણ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલના નામે હતો. મેક્સવેલે ઈંગ્લેન્ડ સામે હોબાર્ટમાં 10 રન આપી 3 વિકેટ ઝડપી હતી.

પોતાની છઠ્ઠી ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી રહેલા કુલદીપના સ્પેલની શરૂઆત સારી ન રહી. તેની પહેલી જ ઓવરમાં રોહિત શર્માએ એરોન ફિંચનો કેચ છોડી દીધો. પંડ્યાએ આ ઓવરમાં 12 રન આપ્યા. જોકે, બાદમાં પંડ્યાએ પોતાની બીજી જ ઓવરમાં પહેલા જ દડે ડાર્સી શોર્ટને એલબીડબલ્યુ આઉટ કરી દીધો. તે પછીના જ બોલમાં તેણે બેન મેકડરમટને પણ એલબીડબલ્યુ કરી દીધો. પંડ્યાએ તે પછી ગ્લેન મેક્સવેલને આઉટ કર્યો. રોહિત શર્માએ તેનો કેચ ઝડપ્યો. ઓસીના વિકેટકીપર એલેક્સ કેરીને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવી તેણે પોતાની ચાર વિકેટ પૂરી કરી.

(4:50 pm IST)