Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

આખરે ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે ભારતીય ટીમના હેડ કોચ માટે અરજી કરી

અજય રાત્રા અને અભય શર્માએ ફીલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી

મુંબઇ: T20 વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટ ટીમને નવો કોચ મળવાનો છે અને તેની જાહેરાત જલ્દી કરવામાં આવી શકે છે. તમામ અટકળો વચ્ચે અંતે ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે ભારતીય ટીમના હેડ કોચ માટે અરજી કરી છે.

બીસીસીઆઇ સાથે જોડાયેલા એક અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી છે કે રાહુલ દ્રવિડે હેડ કોચના પદ માટે અરજી કરી છે. આજે જ કોચ પદ માટે એપ્લીકેશન આપવાની ડેડલાઇન હતી.

 

બીસીસીઆઇના અધિકારીઓએ તાજેતરમાં રાહુલ દ્રવિડ સાથે યૂએઇમાં મુલાકાત કરી હતી, અહી સૌરવ ગાંગુલી, જય શાહ અને અન્ય લોકોએ કોચ પદ માટે રાહુલ દ્રવિડ સાથે વાત કરી હતી. બીસીસીઆઇ પહેલા પણ રાહુલ દ્રવિડને હેડ કોચ બનવાનું કહી ચુકી હતી પરંતુ ત્યારે રાહુલ દ્રવિડે ઇનકાર કર્યો હતો.

લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બની શકે છે પરંતુ તે એનસીએ ડિરેક્ટરના પદ પર તૈનાત હતા અને તે જવાબદારીમાં રહેવા માંગતા હતા. જોકે, હવે જ્યારે ટી-20 વર્લ્ડકપ બાદ રવિ શાસ્ત્રી અને તેમની ટીમનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે ત્યારે ટીમ ઇન્ડિયાને નવો કોચ મળવાનું નક્કી છે.

 

સૌરવ ગાંગુલી અને જય શાહ પાસે આઇપીએલ ફાઇનલ સમયે મુલાકાતમાં રાહુલ દ્રવિડે કેટલોક સમય માંગ્યો હતો અને પોતાનો અંતિમ નિર્ણય સંભળાવવાની વાત કહી હતી. હવે જ્યારે રાહુલ દ્રવિડે આ પદ માટે અરજી કરી છે ત્યારે તેનું નામ નક્કી માનવામાં આવી રહ્યુ છે.

પૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રાએ ફીલ્ડિંગ કોચ માટે અરજી કરી છે. ફરીદાબાદમાં જન્મેલા 39 વર્ષના રાત્રાએ 6 ટેસ્ટ અને 12 વન ડે મેચ રમી છે.

ઘરેલુ ક્રિકેટમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા આ ખેલાડી પાસે કોચિંગનો સારો અનુભવ છે. તે આસામનો મુખ્ય કોચ છે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પહેલા ટીમની શિબિર માટે પૂર્વોત્તરના આ રાજ્યમાં છે. અહી ટી-20 ટૂર્નામેન્ટ 4 નવેમ્બરથી શરૂ થશે. આઇપીએલમાં અજય રાત્રાએ દિલ્હી કેપિટલ્સ સાથે પણ કામ કર્યુ છે અને ભારતીય મહિલા ટીમ સાથે પણ જોડાયેલા રહ્યા છે.

અજય રાત્રા સિવાય અભય શર્મા પણ ફીલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી ચુક્યા છે. બોલિંગ કોચની વાત કરીએ તો પારસ મ્હાબ્રે ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ હોઇ શકે છે.

(8:43 pm IST)