Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સાત દિવસના આરામમાં વધુ પ્રેક્ટિસ મળશે : મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નઈ સુપર કિંગ્સ ૭ દિવસ આરામ પર : મને નથી લાગતું કે અમારા માટે સારી મેચ હતી, ઝાકળ નહોતું, પરંતુ વિકેટ થોડી ધીમી થઈ ગઈ હતી : મહેન્દ્ર સિંહ ધોની

દુબઈ,તા.૨૬ : આઈપીએલની ૧૩મી સીઝનમાં જીતથી શરૂઆત કરનારી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે દિલ્હી કેપિટલ્સે ચેન્નઈને ૪૪ રનથી હરાવ્યું. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સતત બીજી મેચમાં બેટ્સમેનોની નિષ્ફળતાથી નિરાશ જોવા મળ્યો. ધોનીએ કહ્યું કે, સાત દિવસના આરામથી તેમને કમીઓની જાણકારી મેળવવામાં મદદ મળશે. ચેન્નઈની આગામી મેચ ૨જી ઓક્ટોબરે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. ધોનીએ કહ્યું કે, મને નથી લાગતું કે અમારા માટે સારી મેચ હતી. જાકળ નહોતું, પરંતુ વિકેટ થોડી ધીમી થઈ ગઈ હતી અને અમારા બેટિંગ ડિપાર્ટમેન્ટમાં થોડી કમી લાગી અને હેરાન કરનારું છે. ધીમી શરૂઆતના કારણે રન રેટ વધારવાનું પ્રેશર બનતું ગયું. અમારે તેનું સમાધાન કાઢવું પડશે. ધોનીએ વધુમાં જણાવ્યું, અમને આગામી સાત દિવસ સુધી આરામની તક મળશે અને અમારા સ્પષ્ટ તસવીર સાથે કમબેક કરવું પડશે.

રાયડુના આગામી મેચમાં કમબેક થવાથી ટીમનું સંતુલન સારું હશે. ધોની પોતાના બોલર્સના પ્રદર્શનથી પણ ખુશ નહોતો દેખાયો. કેપ્ટન કૂલ કહે છે, જો તમે બોલિંગ વિભાગ પર નજર કરો તો તેમાં નિરંતરતાનો અભાવ દેખાય છે. રાયડુએ આગામી મેચ રમવી જોઈએ અને ત્યારે અમે વધારાને બોલર સાથે ઉતરવા પર વિચાર કરી શકીએ છીએ. દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ૪૪ રનથી હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની બીજી જીત મેળવી હતી. દિલ્હીએ પહેલા બેટિંગ માટે આમંત્રણ અપાયા બાદ ત્રણ વિકેટ પર ૨૦ ઓવરમાં ૧૭૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ વિકેટ પર ૧૩૧ રન બનાવી શકી. પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની મેચ રાજસ્થાન રોયલ્સ સાથે રમાઈ હતી. જેમાં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

રાજસ્થાનની ટીમે ૨૦ ઓવરમાં ૨૧૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈ ૨૦ ઓવરમાં માત્ર ૨૦૦ રન બનાવી શકી હતી. મેચમાં પણ ધોની બેટિંગ માટે ખૂબ નીચેના ક્રમે આવતા ફેન્સ નારાજ થયા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી મેચમાં સીએસકેની ટીમે કઈ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે.

(7:16 pm IST)