Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભારત-અફઘાનીસ્તાન વચ્ચેની દિલધડક મેચ ''ટાઇ''

ધોનીએ ૨૦૦મી વન-ડેમાં કેપ્ટનશીપ કરીઃ ચહરનું વન-ડે ડેબ્યું: જાડેજાની જહેમત

 દુબઇઃ ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની સુપર-૪ની મેચ ટાઇમાં પરીણમી હતી. ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૫૨ રન કર્યા હતા. ઓપનર અહમદ શહજાદે સૌથી વધુ ૧૨૪ રન કર્યા હતા. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. જવાબમાં  ટીમ ઇન્ડિયા ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.'લોકેશ રાહુલ'સૌથી વધુ ૬૦, રાયડુએ ૫૭, કાર્તિકે ૪૪ અને જાડેજાએ ૨૫ રન કર્યા હતા. ધોનીના સુકાની પદ હેઠળ પાંચમી અને ભારતની ઓવર ઓલ આઠમી મેચ ટાઇ રહી. મેચનું પરીણામ ટુર્નામેન્ટમાં કોઇ મહત્વ ધરાવતું ન હતું. ભારત પહેલા જ ફાઇનલમાં પહોચી ગયું છે. જયારે અફઘાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયું છે. ભારતે આ મેચમાં રોહીત શર્મા, ધવન, ચહલ, ભુવનેશ્વર અને બુમરાહને આરામ આપ્યો હતો. હવે આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે જીતનાર ફાઈનલમાં ભારત સામે ટકરાશે.

  ધોનીએ ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૭નાં રોજ પહેલી વખત વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. ધોનીએ ૨૯ ઓકટોબર, ૨૦૧૬નાં રોજ વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અંતિમ વખત ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. જે બાદ તેને કેપ્ટનશીપ છોડી દીધી હતી.  ધોનીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો જે બાદથી વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે.

  માત્ર ૩ ક્રિકેટરો ૨૦૦થી વધુ મેચમાં કરી છે કેપ્ટનશીપ જેમાં,  રિકી પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા         ૨૩૦ મેચ, સ્ટીફન ફ્લેમિંગ, ન્યૂઝીલેન્ડ ૨૧૮ મેચ અને, મહેન્દ્રસિંહ ધોની, ભારત    ૨૦૦ મેચમાં  દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

  અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ બીજા ૪ ફેરફાર કર્યાં હતા. રોહિત શર્માં ઉપરાંત શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પણ આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ ખલીલ અહમદ, દીપક ચહર, મનીષ પાંડે અને સિદ્ઘાર્થ કૌલને સ્થાન આપવામાં આવ્યું છે. દીપક ચહરે પોતાના આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. મેચ પહેલાં ધોનીએ તેને બ્લૂ કેપ પહેરાવી. 

(3:43 pm IST)