Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

પ્રથમ ટેસ્‍ટમાં ભારતની રોમાંચક જીત થઇ

બુમરાહની ધાતક બોલિંગ : ૭ રનમાં પાંચ વિકેટ ઝડપી લીધી

વિદેશી ધરતી પર રનના મામલે ભારતે સૌથી મોટી જીત હાંસલ કરી : ૩૧૮ રને જીત : વિન્‍ડીઝનો થયેલો ધબડકો

એન્‍ટીગુઆ,તા. ૨૬ : એન્‍ટીગુઆ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્‍ટમાં ભારતે રેકોર્ડ જીત મેળવીને ઇતિહાસ સર્જી દીધો છે. ભારત તરફથી જશપ્રીત બુમરાહની ખતરનાક બોલિંગ સામે વેસ્‍ટ ઇન્‍ડિઝના ખેલાડીઓ ટકી શક્‍યા ન હતા. વિન્‍ડીઝે એક પછી એક વિકેટ નિયમિત ગાળામાં ગુમાવી દીધી હતી. બુમરાહે સાત રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. વિદેશી ધરતી પર ભારતે આ સૌથી મોટી જીત મેળવી છે. રહાણેની શાનદાર સદી અને ત્‍યારબાદ બુમરાહની ધાતક બોલિંગની સહાયથી ભારતે જીત મેળવી હતી. વેસ્‍ટ ઇન્‍ડિઝે એક વખતે નવ વિકેટ ૫૦ રનમાં ગુમાવી દીધી હતી. જો કે છેલ્લી વિકેટની ભાગીદારીમાં રોચ અને કમિન્‍સે જોરદાર બેટિંગ કરી હતી. રહાણે અને વિહારી વચ્‍ચે ૧૯૩ની ભાગીદારી થઇ હતી. વિહારી ૯૩ રન કરીને આઉટ થયો હતો. ૪૧૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્‍ટ ઇન્‍ડિઝની ટીમ ૧૦૦ રનના સ્‍કોર સુધી જ પહોંચી શકી હતી. આ ટેસ્‍ટ જીતીને ભારતે ૧-૦ની લીડ મેળવી લીધી છે.  ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૬માં વેસ્‍ટઇન્‍ડિઝના મેદાન ઉપર ટેસ્‍ટ શ્રેણી ૨-૦થી જીતી હતી. ૨૦૦૨ સુધી વેસ્‍ટઇન્‍ડિઝે પોતાના ધરમાં જોરદાર દેખાવ જારી રાખીને ભારતીય ટીમને ક્‍યારે પણ ટેસ્‍ટ શ્રેણી જીતવાની તક આપી ન હતી પરંતુ ૨૦૦૨ બાદ ધરઆંગણે વેસ્‍ટઇન્‍ડિઝની ટીમ પણ ટેસ્‍ટ શ્રેણી જીતી શકી નથી. આ વખતે વેસ્‍ટઇન્‍ડિઝની ટીમ પાસે કોઇ સારા દેખાવની અપેક્ષા રખવામાં આવી રહી છે. કારણ કે, મોટાભાગની ટીમ બિનઅનુભવી દેખાઈ રહી છે.બંને વચ્‍ચે ૧૯૫૨-૫૩માં ટેસ્‍ટ શ્રેણીની શરૂઆત થઇ હતી. ત્‍યારબાદથી લઇને હજુ સુધી બંને દેશો વચ્‍ચે અનેક ટેસ્‍ટ શ્રેણીનું આયોજન વિન્‍ડિઝ કરવામાં આવ્‍યું છે. ૧૧ ટેસ્‍ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્‍યું છે જે પૈકી ભારતે છેલ્લી ત્રણ ટેસ્‍ટ શ્રેણી જીતી છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્‍ટ શ્રેણી જીતી હતી. વેસ્‍ટ ઇન્‍ડિઝનો હારનો સિલસિલો જારી રહ્યો છે. 

(1:25 pm IST)