Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કોવિડ-૧૯ ટેસ્ટ નેગેટિવ આવ્યો

રાહતના સમાચાર

કોલકાતા, તા. ૨૬ : ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કોવિડ-૧૯ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટનના નજીકના સૂત્રોએ શનિવારે આ વાતની જાણકારી આપી. ગાંગુલીના મોટાભાઈ સ્નેહાશીષ ગાંગુલીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.

ત્યારથી ગાંગુલી પણ હોમ ક્વૉરન્ટાઈન હતા. સૂત્રએ જણાવ્યું, 'તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેમણે સાવધાની માટે ટેસ્ટ કરાવ્યો હતો.' બીજી તરફ બેલે વ્યૂ ક્લિનિકમાં એડમિટ તેમના મોટાભાઈ સ્નેહાશીષ પણ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. બંગાળ ક્રિકેટ સંઘ (CAB)ના અધ્યક્ષ અભિષેક દાલમિયા પણ અત્યારે હોમ ક્વૉરન્ટાઈનમાં છે, કારણ કે તે પણ સ્નેહાશીષના સંપર્કમાં આવ્યા હતા.

કોવિડ-૧૯ના કેસો સતત વધવાને કારણે ગાંગુલી BCCI થી સંબંધિત પોતાના તમામ કામ ઘરની પાસે આવેલી ઑફિસથી જ રહ્યા હતા જ્યારે તેમના લોકપ્રિય બંગાળી કાર્યક્રમ 'દાદાગિરી અનલિમિટેડ'ની ૮મી સિઝનનું શૂટિંગ હજુ રિઝ્યૂમ થયું નથી.

ઉલ્લેખનીય છે કે, સ્નેહાશીષના પરિવારમાં તેમની પત્ની, સાસુ-સસરા અને ઘરેલૂ કર્મચારીને ૨૦ જૂનના રોજ મોમિનપુર સ્થિત ઘરે આ બીમારીથી પૉઝિટિવ નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્નેહાશીષ બેહાલા સ્થિત પોતાના પારિવારિક આવાસ ચંડી ભવન રહેવા લાગ્યા હતા. સૌરવ ગાંગુલી પણ અહીં જ રહે છે.

(11:38 am IST)