Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

UAEમાં IPL પૂર્ણ થયાના બે દિ'બાદ ટી-૨૦ વર્લ્ડકપ શરૂ થશે

૧૯મી સપ્ટેમ્બરથી IPL શરૂ, ૧૫ ઓકટોબરે ફાઈનલઃ જો કે ICC એ હજુ BCCIને હજુ સતાવાર જાણ કરી નથી

નવીદિલ્હીઃ આગામી તા.૧૭ ઓકટોબરથી ટી-૨૦ વિશ્વકપનો રોમાંચકારી પ્રારંભ થશે. આ વખતે વિશ્વકપ ટૂર્નામેન્ટ યુએઈમાં રમાઈ રહી છે. આઈપીએલનો ફાઈનલ પૂરો થયાના બે દિવસ બાદ યુએઈમાં ટી-૨૦ વિશ્વકપ ચેમ્પીયનશીપનો -ારંભ થઈ જશે. આઈસીસી દ્વારા એવી મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ટી-૨૦ વિશ્વકપ આ વખતે ભલે ભારતમાં રમાઈ રહ્યો નથી પરંતુ યુએઈમાં ચેમ્પીયનશીપનું યજમાન ભારત જ રહેશે. એટલે કે, ભારતના યજમાન પદ હેઠળ જ ટી-૨૦ વિશ્વકપ રમાનાર છે. જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ અંગે હજુ આઈસીસીને સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યો નથી.

એએનઆઈના અહેવાલ મુજબ આઈપીએલ ટૂર્નામેન્ટનો પુનઃ પ્રારંભ ૧૯ સપ્ટેમ્બરથી થશે અને ૧૫મી ઓકટોબરે આઈપીએલનો ફાઈનલ રમાનાર છે. તેના બે દિવસ બાદ ટી-૨૦ વિશ્વકપ શરૂ થઈ જશે, ૧૪ નવેમ્બરે વિશ્વકપનો ફાઈનલ જંગ ખેલાશે. આ વખતે વિશ્વકપ સ્પર્ધામાં વિશ્વની ૧૬ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે. ભારતમાં વિશ્વકપ રમાનાર હતો પરંતુ કોરોનાની ગંભીર પરિસ્થિતિના કારણે સ્પર્ધા યુએઈમાં રમાડવાનું નક્કી કરાયું છે. પહેલા રાઉન્ડમાં ૧૨ મેચ રમાશે.

૮ ટીમમાંથી દરેક ગ્રુપની પહેલા બે સ્થાને આવનાર ટીમ સુપર-૧૨ માટે કવોલીફાઈડ થશે. આ ૮ ટીમમાંથી ૪ ટીમ સુપર-૧૨માં પહોંચશે. સુપર-૧૨ના તબક્કામાં ૩૦ મેચ રમાશે. જેનો ૨૪ ઓકટોબરથી પ્રારંભ થશે. યુએઈમાં દુબઈ, અબુધાબી અને શારજાહ ખાતે તમામ મેચો રમાશે. સુપર-૧૨ના રાઉન્ડ બાદ ત્રણ પ્લેઓફ ગેમ રમાશે. જેમાં ૨ સેમીફાઈનલ અને ફાઈનલનો સમાવેશ થાય છે. આઈસીસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, વિશ્વકપનું યજમાન ભારત રહેશે.

(2:49 pm IST)