Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ભારતનું વર્તમાન ફાસ્ટ બોલીંગ - આક્રમણ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ : તેન્ડુલકર

સચિને કહ્યું કે અત્યારે ટીમમાં એક સ્વિંગ બોલર ભુવનેશ્વર કુમાર, એક ઉંચો બોલર ઈશાંત શર્મા, એક સચોટ બોલર જશપ્રીત બુમરાહ અને એક જેન્યુઈન ફાસ્ટ બોલર ઉમેશ યાદવ છે, આટલી વિવિધતા કયારેય જોવા નહોતી મળી

સચિન તેન્ડુલકરના મતે ભારત ઈંગ્લેન્ડના પડકારજનક પ્રવાસમાં ઘણા વર્ષો બાદ પોતાના સૌથી સંપૂર્ણ ફાસ્ટ બોલીંગ આક્રમણ સાથે ઉતરશે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એની ૨૪ વર્ષની કરીઅર દરમિયાન કયારેય નહોતું. ભારત પોતાના લગભગ ત્રણ મહિનાના ઈંગ્લેન્ડના પ્રવાસનો આરંભ આયરલેન્ડ સામે ૨૭ જૂનથી બે ટી-૨૦ મેચો સાથે કરશે, પરંતુ તમામની નજરો પહેલી ઓગષ્ટથી બર્મિંગહેમથી શરૂ થનારી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ પર છે. તેન્ડુલકરે કહ્યું હતું કે મારા મતે આ આક્રમણ સૌથી સર્વશ્રેષ્ઠ પૈકી એક છે. પોતાની કરીઅર દરમિયાન ૨૦૦ ટેસ્ટ રમનારા સચિને કહ્યું હતું કે ભારત પાસે ભૂતકાળમાં કેટલાક સારા ફાસ્ટ બોલરો રહ્યા છે, પરંતુ આટલી વિવિધતાવાળુ આક્રમણ કયારેય નહોતુ. અમારી પાસે એક સ્વિંગ બોલર (ભુવનેશ્વર કુમાર), એક ઉંચો બોલર (ઈશાન્ત શર્મા), એક સચોટ બોલર (જશપ્રીત બુમરાહ)  અને એક જેન્યુઈન ફાસ્ટ બોલર (ઉમેશ યાદવ) છે. આટલી વિવિધતા એક સારૂ સંયોજન છે.

તેન્ડુલકર કપિલ દેવ અને મનોજ પ્રભાકર સાથે રમી ચૂકયો છે. જયારે સચિનને પૂછવામાં આવ્યુ છે કે આ આક્રમણ તેના સમયના આક્રમણ કરતા પણ વધુ સક્ષમ છે તો તેણે કહ્યું હતું કે, હા કારણ કે અમારી પાસે ભુવી અને હાર્દિક છે જે બેટીંગ પણ કરી શકે છે. હાર્દિકે તાજેતરમાં જ ટીમમાં સ્થાન મેળવ્યુ છે, પરંતુ મને લાગે છે કે ભુવીએ શાનદાર યોગદાન આપ્યુ છે.

ભારતે કયા બોલરો સાથે મેદાનમાં ઉતરવુ જોઈએ એના પર ટીપ્પણી ન કરતા સચિને કહ્યું હતું કે મને લાગે છે કે ટીમ મેનેજમેન્ટે વિચારવુ જોઈએ કે હરીફ ટીમમાં કયા બેટ્સમેનને કેવા બોલર સામે વધુ ફાવટ છે. કેટલાક સ્વિંગ બોલરો સામે સારી રીતે રમે છે તો કેટલાક પાસે પીચ પર ટર્ન લેતા બોલ સામે રમવાની ટેકનીક છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ટીમની પસંદગી કરવી જોઈએ.

(3:57 pm IST)