Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કેમ માસ્ક પહેરીને વર્કઆઉટ કરી રહ્યો છે વિરાટ કોહલી?

વિરાટ કોહલીની ટીમ અત્યારે આયરલેન્ડના પ્રવાસે છે. દરમિયાન ૨૭ અને ૨૯ જૂને ભારત આયરલેન્ડ સામે બે ટી-૨૦ મેચોની સીરીઝ રમશે. આ સીરીઝ પહેલા વિરાટની ટીમના ખેલાડીઓ પોતાના કેપ્ટન સાથે જીમમાં ઘણી મહેનત કરી રહ્યા છે. ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર હેન્ડલ પર એનો એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં કોહલી ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, લોકેશ રાહુલ, સુરેશ રૈના અને મનીષ પાંડે દેખાય છે. રસપ્રદ વાત એ છે કે કોહલી અન્ય ખેલાડીઓ કરતા અલગ દેખાય છે. તેણે પોતાના મોઢા પર એક માસ્ક લગાવ્યો છે.

ટ્રેડ મીલ પર દોડતી વખતે તેમજ અન્ય કસરતો વખતે તેનું મોઢું અને નાક ઓકિસજન રિડ્યુસીંગ માસ્કથી ઢંકાયેલુ છે. આ માસ્કને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો કે આ ટ્રેઈનીંગથી શરીરમાં લાલ રકતકણો વધે છે અને ખેલાડીની ક્ષમતા પહેલા કરતા પણ વધી જાય છે. આની અસર ઉંચા પહાડ પર ચડવા જેવી હોય છે જયાં ઓછા ઓકિસજનને કારણે શરીરે ઓકિસજન માટે વધુ મહેનત કરવી પડે છે. આવી તાલીમ સ્વીમર અને સ્કાયડાઈવર્સ કરતા હોય છે. વિરાટ વિશ્વના સૌથી ફીટ ક્રિકેટરો પૈકી એક છે. તેની ફીટનેસ મેદાનમાં બેટીંગ અને ફિલ્ડીંગ વખતે મદદરૂપ સાબિત થાય છે. વિરાટ પોતાના મોટા ભાગના રન દોડીને પૂરા કરે છે. જો ખેલાડી ફીટ ન હોય તો આ વાત શકય નથી. કોહલી સહિત ભારતીય ટીમે ફીટ રહેવુ જરૂરી છે. કારણ કે ઈંગ્લેન્ડના આ પ્રવાસમાં ભારતીય ટીમ અંદાજે બે મહિનાનો સમય વિતાવશે.

(3:56 pm IST)