Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

૧૦ નવા ચહેરાઓની સાથે ઉતરવા પાકિસ્તાન સુસજ્જ

હોટફેવરિટ નથી છતાં સારા દેખાવની અપેક્ષા : ઇમરાન ખાનના નેતૃત્વમાં ૧૯૯૨માં વર્લ્ડકપ જીતવામાં સફળતા મેળવી હતી : ચાર વખત ટીમ સેમિફાઇનલમાં

લંડન,તા.૨૬ : વર્ષ ૧૯૯૨માં ચેમ્પિયન બનેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આ વખતે અનેક નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરી રહી છે. પાકિસ્તાનની ટીમ સમયની સાથે કેટલાક ફેરફાર મારફતે પસાર થઇ રહી છે. જો કે હાલની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવે તો આ ટીમ કોઇ વધારે મજબતુ દેખાઇ રહી નથી. ૩૦મી મેથી વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે ત્યારે આ ટીમ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ વખતે વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં પાકિસ્તાનને પ્રબળ દાવેદાર ટીમ તરીકે ગણવામાં આવી રહી નથી. પાકિસ્તાનની ટીમ આ વખતે ૧૦ નવા ચહેરા સાથે મેદાનમાં ઉતરી રહી છે. સરફરાઝ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ તેના અભિયાનની શરૂઆત વિશ્વ કપમાં ૩૧મી મેના દિવસે વેસ્ટ ઇન્ડિઝ સામે રમનાર છે. પાકિસ્તાનની ટીમમાં ૧૦ ખેલાડી આ વખતે નવા દેખાઇ રહ્યા છે. જેમાં ફખર જમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, આબિદ અલી, શાદાબ ખાન, ફહીમ અશરફ, ઇમામ વસીમ, શાહીન આફ્રિકી, હસન અલી અને મોહમ્મદ હસનેન સામેલ છે. ટીમના એક સભ્ય જુનેદ ખાને વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. જો કે ઇજાગ્રસ્ત થવાના કારણે વિશ્વ કપ શરૂ થતા પહેલા જ તે વર્લ્ડ કપની બહાર થઇ ગયો હતો. અનુભવી ઝડપી બોલર વહાબ રિયાઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલાડીએ છેલ્લા બે વર્ષથી કોઇ મેચ રમી નથી. જો કે અભ્યાસની પ્રથમ મેચમાં જ અફઘાનિસ્તાનની સામે રમતા વહાબે અનુભવનો ઉપયોગ કરીને ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમના કેપ્ટન અને વિકેટકિપર સરફરાઝ અહેમદે વર્ષ ૨૦૧૫માં પોતાની ટીમ માટે ત્રણ મેચો રમી હતી. જેમાં આયરલેન્ડની સામે તેના અણનમ ૧૦૧ રનની ઇનિગ્સ સામેલ છે. હેરિસ સોહેલની પાસે છેલ્લા વર્લ્ડ કપમાં મેચો રમવાનો અનુભવ છે. ૩૮ વર્ષીય મોહમ્મદ હાફિજ પાકિસ્તાની ટીમમાં સૌથી વરિષ્ઠ ખેલાડી છે. જે ૨૦૧૫, ૨૦૧૧ અને ૨૦૦૭ વર્લ્ડ કપમાં રમી ચુક્યો છે. હાફિઝે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં કોઇ મેચ રમી ન હતી. બાકી બે સ્પર્ધામાં કુલ ૧૦ મેચો રમી હતી. ૧૦ મેચ રમીને ૨૩૦ રન કર્યા હતા. વર્તમાન સંજોગોમાં પાકિસ્તાનની ટીમને પ્રબળ દાવેદાર તરીકે ગણવામાં આવતી નથી પરંતુ ટીમમાં કેટલાક ઉભરતા ખેલાડી રહેલા છે. ઇંગ્લેન્ડે હાલમાં પાકિસ્તાન સામે ૪-૦થી શ્રેણી જીતી લીધી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અને વિતેલા વર્ષોમાં ટીમના ધરખમ ખેલાડી ઇન્જમામ ઉલ હકે ૧૫ સભ્યોની ટીમમાં અનેક મોટા ફેરફાર કર્યા છે. ઇન્જમામના ભત્રીજા ઇમામનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇમામે ઇંગ્લેન્ડ સામેની મેચમાં ૧૫૧ રનની શાનદાર ઇનિગ્સ રમી હતી.

વર્લ્ડકપમાં પાકિસ્તાન

લંડન, તા. ૨૬ : પાકિસ્તાની ટીમ વિશ્વકપમાં હોટ ફેવરિટ તરીકે નથી પરંતુ ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો પાકિસ્તાન એક વખત વિજેતા બનવામાં, બે વખત ફાઈનલમાં પહોંચવામાં સફળતા મેળવી છે. પાકિસ્તાનનો દેખાવ નીચે મુજબ રહ્યો છે.

વર્ષ.............................................................. સ્થાન

૧૯૭૫.................................................... ગ્રુપ સ્ટેજ

૧૯૭૯................................................ સેમિફાઇનલ

૧૯૮૩................................................ સેમિફાઇનલ

૧૯૮૭................................................ સેમિફાઇનલ

૧૯૯૨....................................................... વિજેતા

૧૯૯૬............................................ ક્વાર્ટર ફાઇનલ

૧૯૯૯.................................................... રનર્સઅપ

૨૦૦૩.................................................... ગ્રુપ સ્ટેજ

૨૦૦૭.................................................... ગ્રુપ સ્ટેજ

૨૦૧૧................................................ સેમિફાઇનલ

૨૦૧૫............................................ ક્વાર્ટર ફાઇનલ

(7:36 pm IST)