Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

આઇસીસીએ પાકિસ્તાનના ક્રિકેટરના હાથમાંથી સ્માર્ટ વોચ કઢાવી

નવી દિલ્હી: પાકિસ્તાનના ક્રિકેટ સાથે વિવાદનો ખુબ જ ગાઢ સંબંધ રહ્યો છે અને ઈંગ્લેન્ડ સામે લોર્ડ્ઝમાં શરૃ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પણ પ્રવાસી ક્રિકેટરો વધુ એક વિવાદમાં સપડાયા હતા. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરો સ્માર્ટ વોચિસ પહેરીને રમવા માટે ઉતર્યા હતા. આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટના ઓફિસરનું તરત આ તરફ ધ્યાન ગયું હતુ અને તેમણે પાકિસ્તાનના ક્રિકેટરોના કાંડા પરથી સ્માર્ટ વોચિસ ઉતરાવી હતી. લોર્ડ્ઝ ટેસ્ટમાં પ્રથમ દિવસે પાકિસ્તાનના અસદ શફીક અને બાબર આઝમ નામના ખેલાડીઓ સ્માર્ટ વોચ પહેરીને મેદાન પર ઉતર્યા હતા. આઇસીસી મેચ ફિક્સિંગ અટકાવવા માટે ક્રિકેટરો તો શું અન્ય મેદાન પરના ઓફિસિઅલ્સના મોબાઈલ ફોન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ  ટ્રાન્સમીટ ડિવાઈસીસ મેચ દરમિયાન જપ્ત કરી લેતી હોય છે. ત્યારે ઈન્ટરનેટ તેમજ મોબાઈલ સાથે વાઈ-ફાઈ કનેક્શન ધરાવતા સ્માર્ટ વોચિસ પહેરવી એ સ્વાભાવિક રીતે જ ગુનો ગણાય. આમ છતાં પાકિસ્તાનના ક્રિકેટરોએ આ તરફ ધ્યાન જ આપ્યું નહતુ. આખરે આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટને દરમિયાનગીરી કરવી પડી હતી. દરમિયાનમાં પાકિસ્તાનના એક ક્રિકેટરે લૂલો બચાવ કરતાં કહ્યું હતુ કે, અમે અગાઉ ક્યારેય કોઈ ખેલાડીને સ્માર્ટ વોચિસ પહેરીને ક્રિકેટ મેચ રમતા જોયો તો નથી. જોકે આના પર પ્રતિબંધ ન હોવાના કારણે અમને તેમાં વાંધાજનક ન લાગ્યું. વધુમાં મોબાઈલ સ્વિચઓફ હોવાથી તે માત્ર સમય જોવા માટેની ઘડિયાળ હતી.જોકે આઇસીસીએ તેના ઉપયોગ પર પણ મનાઈ ફરમાવી છે.
 

(4:11 pm IST)