Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

ન્યૂઝિલેન્ડ-એ સામેની ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયા-એનો પાંચ રનથી પરાજય : 2-1થી ગુમાવી સીરિઝ

 

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝિલેન્ડ-એ સામેની ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયા-એનો પાંચ રનથી પરાજય થયો હતો. આ સાથે જ ઇન્ડિયા-એ એ ત્રણ વન-ડે મેચની સીરિઝ 2-1થી ગુમાવી હતી. ટીમ ઇન્ડિયા-એને અંતિમ ઓવરમાં જીતવા માટે સાત રનથી જરૂર હતી જ્યારે ટીમ ઇન્ડિયા-એ પાસે બે વિકેટ બચી હતી પરંતુ વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને પ્રથમ બોલ ખાલી રાખી બીજા બોલ પર એક રન લીધો હતો. જોકે, ઇશાન કિશનનો આ નિર્ણય ટીમ ઇન્ડિયા પાસે ખોટો સાબિત થયો અને ઝડપી બોલર કાઇલ જૈમીસને સતત બે બોલમાં સંદીપ વારિયર અને ઇશાન પોરેલને આઉટ કરી ન્યૂઝિલેન્ડને પાંચ રનથી જીત અપાવી હતી.

ન્યૂઝિલેન્ડે પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટના નુકસાન પર 270 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી માર્ક ચેપમેને અણનમ 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જવાબમાં ભારતીય ટીમ 49.4 ઓવરમાં 265 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ રીતે ન્યૂઝિલેન્ડ-એએ ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. ટીમ ઇન્ડિયા તરફથી પૃથ્વી શો 55 અને ઇશાન કિશને અણનમ 71 રનની ઇનિંગ રમી હતી પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહોતા. પૃથ્વી શો 55 અને ઋતુરાજ ગાયકવાડે પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી ટીમને સારી શરૂઆત અપાવી હતી. કેપ્ટન મયંક અગ્રવાલ 22, સૂર્યકુમાર યાદવ 5 અને વિજય શંકર 19 રન બનાવી આઉટ થઇ ગયા હતા. મેચની અંતિમ ઓવરમાં ઇશાન કિશને 71 રન બનાવ્યા હતા.

(3:54 pm IST)