Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

તમારે વિવાદ જ કરવો હોય તો તમે જ કહો અમારે કેવી પ્લેઈંગ ઈલેવન મેદાનમાં ઉતારવી જોઈએ?

પાકિસ્તાની પત્રકાર વિરાટને ઉશ્કેરવા માંગતો હતો

નવીદિલ્હીઃ મેચ હાર્યા પછી પાકિસ્તાની પત્રકારે વિરાટ કોહલીને ટીમ કોમ્બિનેશન કેવું હોવું જોઈએ અને એની પસંદગી સામે સવાલ ઊભો કર્યો હતો. તેણે પૂછ્યું હતું કે છેલ્લી ઘણી મેચથી ઈશાન કિશન સારા ફોર્મમાં છે તો શું રોહિતના સ્થાને તેની પસંદગી થઈ શકી હોત! આ સવાલ સાંભળતાં જ વિરાટ કોહલી પહેલા તો ગુસ્સે થઈ ગયો હતો, પરંતુ ત્યાર પછી જવાબ આપતાં કહ્યું હતું કે મેં આજે મારી બેસ્ટ ટીમ મેદાનમાં ઉતારી હતી. હવે તમને આ યોગ્ય નથી લાગતી તો તમારા અનુસાર કેવી ટીમ પસંદ કરવી જોઈએ? શું તમે રોહિત શર્માને પ્લેઈંગ-૧૧માંથી કાઢી મૂકશો? તેમને જાણ જ હશે કે રોહિત શર્મા છેલ્લી મેચમાં કેવું રમ્યો છે. આવો જવાબ આપતાંની સાથે જ વિરાટ કટાક્ષ કરી હસવા લાગ્યો હતો. ત્યાર પછી તેણે વધુમાં કહ્યું હતું કે જો તમારે આવા પ્રકારનો વિવાદ ઊભો કરવો હોય તો મને અગાઉથી જાણ કરી દો, જે પ્રમાણે હું જવાબ આપું.

કોહલીએ કહ્યું  કે અમારી શરૂઆતમાં ૩ વિકેટ પડી ગઈ હતી. ન્યૂ બોલ સામે અમારા ઓપનર્સ સારી બેટિંગ ન કરી શકયા, પરંતુ એમાં પાકિસ્તાની બોલર્સે પણ સારી લાઈન એન્ડ લેન્થમાં બોલ ફેંકી ભારતીય બેટર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ મેચમાં અમે અમારૃં બેસ્ટ આપી શક્યા નથી અને હું આ ભૂલનો સ્વીકાર કરું છું.

વિરાટ કોહલીએ ૧૦ વિકેટથી મેચ હાર્યા પછી કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ એટલી મજબૂત છે કે તે વિશ્વની કોઈપણ ટીમને હરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેની ૧ મેચ હારી જતાં આ ટૂર્નામેન્ટ પૂરી થઈ નથી. અમે આ હારથી ઘણું શીખ્યા છીએ અને આગામી ગેમ પર ધ્યાન આપીશું. આજે પાકિસ્તાનની ટીમ સારું રમી હતી અને અમે ઘણી ભૂલો પણ કરી હતી. દબાણમાં રમવું જેટલું સરળ લાગે એટલું નથી.

(2:42 pm IST)