Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

એશિયા કપ : ૬૯૬ દિન બાદ ધોની ફરીથી કેપ્ટન

કેપ્ટન તરીકે ૨૦૦મી મેચમાં મેદાનમાં ઉતર્યોઃ ધોનીએ ૧૯૯ મેચોમાં કેપ્ટનશીપ કરી છે જે પૈકી ૧૧૦માં જીત અને ૭૪માં હાર થઇ છે : સૌથી સફળ વનડે કેપ્ટન

નવીદિલ્હી, તા. ૨૫: દુબઈમાં એશિયા કપ ક્રિકેટની મેચમાં આજે અફઘાનિસ્તાન સામે મહેન્દ્રસિંહ ધોનીને ફરી એકવાર કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે તમામની નજર ધોની ઉપર કેન્દ્રિત થઇ ગઈ હતી. મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે નજરે પડ્યો હતો. ધોની ૬૯૬ દિવસ બાદ ફરી ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો છે. ધોનીએ છેલ્લે ૨૯મી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે ન્યુઝીલેન્ડની સામે વિશાખાપટ્ટનમમાં કેપ્ટન તરીકેની ભૂમિકા અદા કરી હતી. આ મેચમાં ભારતની ૧૯૦ રને જીત થઇ હતી. કેપ્ટન તરીકે ધોનીએ આજે ૨૦૦મી મેચ રમી હતી. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો કેપ્ટન છે. આ અગાઉ રિકી પોન્ટિંગે સૌથી મોટી સિદ્ધિ મેળવી છે. પોન્ટિંગે ૨૩૦ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી જેમાં ૧૬૫માં જીત ઓસ્ટ્રેલિયાની થઇ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગે ૨૧૮ મેચમાં કેપ્ટનશીપ કરી હતી અને ન્યુઝીલેન્ડે ૯૮ મેચોમાં જીત મળી હતી. ધોનીએ ૧૯૯ મેચોમાં કેપ્ટનશીપ કરી છે જેમાં ૧૧૦માં જીત થઇ છે. ૭૪માં હાર થઇ છે. ચાર મેચ ટાઈમાં પડી છે. ૧૧ મેચોમાં પરિણામ આવી શક્યા નથી. ધોનીની જીતની સરેરાશ ૫૯.૫૭ ટકા રહી છે. જે અન્ય કોઇપણ ભારતીય કેપ્ટન કરતા વધુ સારી છે. આજે અફઘાનિસ્તાન સામેની મેચમાં ધોનીએ પોતાની નવી રણનીતિ રજૂ કરી હતી. મેચ સંદર્ભમાં ધોનીએ કહ્યું હતું કે, જો તેઓ ટોસ જીત્યા હોત તો પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ધોનીએ ઉમેર્યું હતું કે, તે ૧૯૯ મેચમાં કેપ્ટનશીપ કરી ચુક્યો છે. ૨૦૦મી મેચમાં કેપ્ટન તરીકે રમી રહ્યો છે જે તેના માટે ગૌરવની બાબત છે. ધોની કેપ્ટન તરીકેની ૨૦૦મી મેચ પર ચાહકોની નજર રહી હતી.

(10:38 pm IST)